રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનું કેન્દ્ર બની છે. ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય સંસ્કૃતિનો વિષય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવાનો પરિપત્ર બહાર પાડતા આ મામલે કોંગ્રેસ નેતા નિદત બારોટે વિરોધ નોંધાવ્યો હતો. જોકે સમગ્ર ઘટના મામલે વિરોધ વધતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ દ્વારા આ પરિપત્ર પાછો ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેક વિવાદોમાં આવી ચૂકી છે. એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અચાનક ભારતીય સંસ્કૃતિ વિષય ભણાવવાનું બંધ કર્યાનો પરિપત્ર જાહેર કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
"કોઈપણ યુનિવર્સિટી આ પ્રકારનું પરિપત્ર જાહેર ન કરે તેવો પરિપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. ખરેખરમાં આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારને ભલામણ કરવી જોઈતી હતી કે તાત્કાલિક ભારતીય સંસ્કૃતિ વિષયના અધ્યાપકની નિમણૂક કરવામાં આવે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંસદ ભવનમાં નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ આવી ત્યારે એવું જાહેર કર્યું હતું કે હવે પછીનું શિક્ષણ ભારતીય પરંપરાનું શિક્ષણ આવશે અને પરંપરાના શિક્ષણથી ભારતીય સંસ્કૃતિને આગળ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે" -- નિદત બારોટ (કોંગ્રેસ નેતા)
તાત્કાલિક અસર: જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ પરિપત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી વિપરીત પરિપત્ર જોવા મળી રહ્યો છે. આ મામલે સંસદમાં મંજૂરી મળી હોય ત્યારે આ કોઈ પણ પક્ષનો એજન્ટા નથી પરંતુ સમગ્ર દેશનો એજન્ડા છે. ત્યારે અમારી માંગણી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પરિપત્રને રદ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી આ ભારતીય સંસ્કૃતિ વિષય ભણાવવા માટેના અધ્યાપકની નિમણૂક કરવામાં આવે.
પરિપત્ર રદ કરવામાં આવશે - કાર્યકારી કુલપતિબીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિપત્રથી વિવાદ વધતા આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો ગિરીશ ભીમાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું આ મામલે પહેલા એક સ્પષ્ટ કરી દઉં કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભારતીય સંસ્કૃતિ વિષયને વિષય તરીકે બંધ કરવામાં નથી આવ્યો. જ્યારે આ અભ્યાસ માત્ર એક જ કોલેજમાં ચાલી રહ્યો હતો અને આ કોલેજના કાર્યભારને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ આ વિષયને પસંદ ન કરે તે પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો હતો.
પરિપત્ર રદ: પરંતુ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના અમલ માટે જ્યારે રાજ્ય સરકારે પણ ગઈકાલે જાહેરાત કરી છે. ત્યારે હવેથી આ વિષયને પણ વિદ્યાર્થીઓ પૂનઃ પસંદ કરી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી કાર્યવાહી કરવામાં આવશે. હવેથી ભારતીય સંસ્કૃતિ વિષય વિદ્યાર્થીઓ રાખી શકશે. જ્યારે આ પ્રકારનો પરિપત્ર રદ કરવામાં આવશે.