રાજકોટ: રાજકોટ આરટીઓ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આજે શહેરના ત્રિકોણબાગ ખાતે આવેલા સીટી બસના બસ સ્ટેન્ડ ખાતે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગમાં ત્રણ જેટલી બસોને ડિટેઇન કરવામાં આવી હતી. કેટલીક બસોનો રોડ ટેક્સ ન ભર્યો હોય તેવી માહિતી સામે આવી હતી. જોકે મોટાભાગની સીટી બસના ઇન્સ્યોરન્સ થઈ ગયા હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું.
સિટી બસોનું ચેકીંગ: આ મામલે રાજકોટના ટ્રાફિક ACP એવા જયવીર ગઢવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ અમારા ધ્યાને આવ્યું હતું કે રાજકોટની જે જૂની સીટી બસો છે તે વધારે પડતા ધુમાડા કાઢે છે અને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે. આ સાથે જ આ બસોની અત્યાર સુધીની ઇન્સ્યોરન્સ રીન્યુ થયો છે કે કેમ તેમજ આ સીટી બસોમાં ઓવરલોડ પેસેન્જર ભરવામાં આવે છે. આ તમામ બાબતો મુદ્દે આજે રાજકોટ આરટીઓ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે સીટી બસોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ બસોમાંથી કેટલીક બસોનો રોડ ટેક્સ ભર્યો ન હોવાના કારણે આરટીઓ દ્વારા આ બસોને ડીટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
3 બસોને ડિટેઇન કરવામાં આવી: ટ્રાફિક એસીપી ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન કેટલીક બસોનો રોડ ટેક્સ ન ભર્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે રાજકોટ આરટીઓ દ્વારા ત્રણ જેટલી સીટી બસોને ડિટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી રાજકોટની સીટી બસો વિવાદમાં આવે છે. જેમાં ઓવરલોડ પેસેન્જર ભરવામાં આવે છે. આ સાથે જ જે સીટી બસના ડ્રાઇવરો છે તે બેદરકરીપૂર્વક આ બસ ચલાવતા હોવાના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.