રાજકોટઃ આજે ગુજરાતના એક બે મહાનગરો નહિ પરંતુ સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યા વકરી રહી છે. આ સમસ્યા સંદર્ભે રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં રખડતા ઢોર પકડાય તો દંડની રકમ રૂ. 500માંથી 1500 કરાઈ છે તેમજ એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવતી ફીઝ રૂ.1000માંથી વધારીને 3000 કરાઈ છે.
કુલ 10 કરોડથી વધુના વિકાસકાર્યોની દરખાસ્તોને મંજૂરીઃ આજે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળી હતી. જેમાં કુલ 10 કરોડથી વધુ રૂપિયાના વિકાસકાર્યોની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં શહેરીજનો માટે માથાનો દુખાવો બનેલી રખડતાં ઢોરોની સમસ્યા પર પણ નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતાં ઢોરોની સમસ્યાને હળવી બનાવવા માટે આ સમસ્યાના દંડની રકમ 3 ગણી વધારી દેવામાં આવી છે.
દંડની રકમ 3 ગણી કરાઈઃ પહેલા રખડતું ઢોર પકડાય તો દંડની રકમ 500 રુપિયા વસૂલવામાં આવતી હતી જે વધારીને 1500 રુપિયા કરી દેવાઈ છે. તેમજ રખડતાં ઢોરને જો એનિમલ હોસ્ટેલમાં મુકવામાં આવે તો અગાઉ આ ફીઝ 1000 રુપિયા હતી જે વધારીને 3000 રુપિયા કરી દેવાઈ છે.
આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક હતી. જેમાં કુલ રૂ.10 કરોડથી વધુના વિકાસકાર્યોને બહાલી આપવામાં આવી છે. બેઠકમાં કુલ 28 દરખાસ્તો રજૂ થઈ હતી જેમાંથી મોટાભાગની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. કાલાવડ રોડને 6 લેન બનાવવાની દરખાસ્તમાં અસરગ્રસ્તોની રજૂઆત માટે આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. આ સિવાયની તમામ દરખાસ્તોને સર્વાનું મતે મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ રખડતાં ઢોરોના કાયદામાં દંડની રકમ વધારવામાં આવી હતી તે વધારો રાજકોટ મનપાએ પણ લાગુ કર્યો છે...જયમીન ઠાકર(સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, રાજકોટ મનપા)
વકરતી જતી સમસ્યાઃ ઉલ્લેખનિય છે કે રાજકોટ શહેરમાં રખડતાં ઢોરોની સમસ્યા વકરતી જાય છે. ઢોરોને પરિણામે અવાર નવાર અકસ્માત પણ થઈ રહ્યા છે. આ અકસ્માતોમાં જીવલેણ અકસ્માતો પણ થાય છે. આ સમસ્યાના નિવારણ માટે રાજકોટ મનપાએ દંડની રકમ 3 ગણી વધારી દીધી છે.