રાજકોટ: સ્વામિનારાયણ મંદિર સાળંગપુર ખાતે હનુમાનજીના વિવાદિત ચિત્ર મામલે ઠેર ઠેર સાધુ-સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને આજે રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા આ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને તાત્કાલિક આ વિવાદિત ભીંત ચિત્રને દૂર કરવામાં આવે તેવી ઉગ્ર માગણી કરી હતી. કોંગ્રેસ દ્વારા હનુમાનજીની વેશભૂષા ધારણ કરીને આ રજૂઆત કરવામાં આવી હતી જે ચર્ચાનો વિષય બની હતી.
" ભૂતકાળમાં પણ ત્યાં હનુમાનજી મહારાજને સાન્તાક્લોઝ બનાવવામાં આવ્યા હતા. તે સમયે પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ તે વિરોધને લઈને હજુ સુધી આ સંપ્રદાયના સંતો સુધરતા ન હોય તે માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જે લોકો ધાર્મિક કપડાં પહેરીને હાલ અલગ અલગ કાંડ કરી રહ્યા છે અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ. ત્યારે અમારી માંગ છે કે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે." - રણજીત મુંધવા, કોંગ્રેસ નેતા
વિવિધ સમાજમાં રોષ: સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ચિત્ર મામલે વિરોધને લઈને ગઈકાલે રાજકોટમાં બ્રહ્મ સમાજ દ્વારા પણ ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. આ સાથે જ કરણીસેના દ્વારા પણ આ મામલે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે હનુમાનજીના પ્રતિમા પરથી આ વિવાદિત ચિત્રો તાત્કાલિક દૂર કરવામાં આવે નહિ તો અમે સાળંગપુર આવીને વિરોધ કરશું.
શા માટે થયો વિવાદ: લાખો કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર બોટાદ જિલ્લાના સાળંગપુરમાં બેઠેલા હનુમાનજી છે. સોશિયલ મીડિયા ઉપર સૌથી ઊંચી પ્રતિમાની નીચે લગાવેલી નાની પ્રતિમાઓમાં હનુમાનજીને મહાપુરુષોના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે, જેને પગલે સોશિયલ મીડિયામાં હનુમાનજીનું અને ભગવાન રામને લઈને અપમાન થયું હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. જેને પગલે વિવાદ વકર્યો હતો.