રાજકોટ : રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તેવી ઘટનાઓ રાજકોટ શહેરમાં વારંવાર પ્રકાશમાં આવી રહી છે. તેવામાં રાજકોટ શહેરમાં વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં લગ્ન પ્રસંગ દરમિયાન જાહેરમાં જ વિદેશી દારૂ પિતા પિતા ઠુમકા લગાવવામાં આવી રહ્યા છે. જોકે આ પ્રકારનો વીડિયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ભક્તિનગર પોલીસે સાત શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાહેરમાં દારૂ પીતા પીતા લગાવ્યા ઠુમકા : મળતી વિગતો મુજબ શહેરના ભક્તિનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગે યોજાયા હતા. તે દરમિયાન વરરાજાનું ફુલેકુ યોજાતા તેમાં આવેલા મહેમાનો દ્વારા જાહેરમાં દારૂની બોટલ કાઢીને દારૂ પીવામાં આવી રહ્યો હતો. ગીત પર ઠુંમકા લગાવવામાં આવી રહ્યા હતા. જોકે આ ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ થયો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ થયો છે. જેને લઇને રાજકોટ શહેરમાં હાહાકાર મચી જવા પામી છે. અત્યાર સુધી તો પોલીસ દ્વારા વિદેશી દારૂના ટ્રક પકડી પાડવામાં આવતા હતા, પરંતુ હવે જાહેરમાં દારૂની મહેફીલોનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસે તંત્ર સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે, પોલીસને આ બાબતે ધ્યાને આવતા કડક કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : Navsari Crime: સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, સમુદ્રમાર્ગે થતી હતી દારૂની હેરાફેરી
પોલીસ કમિશનર કચેરી ખાતે PSI નશાની હાલતમાં જોવા મળ્યા : તો બીજી તરફ મળતા સૂત્રો અનુસાર રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા PSI બ્રિજેન્દ્રસિંહ ચૌહાણ નશાની હાલતમાં જોવા મળ્યા હતા. જે મામલો પોલીસને ધ્યાને આવતા તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. આ પોલીસકર્મી દ્વારા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તુણક કરવામાં આવી હોય તેવી વાત પણ પ્રકાશમાં આવી છે. હાલ આ સમગ્ર મામલો હવે પ્રદ્યુમનનગર પોલીસ પાસે પહોંચ્યો છે, પરંતુ પોલીસ કર્મી જ નશાની હાલતમાં કમિશનર કચેરીએ ફરજ બજાવતા હોવાની વાત સામે આવતા હાલ ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો : Gandhinagar News : રૂપિયા, દારૂ, ચવાણું વેચ્યું છે એટલે લોકોએ મત આપ્યા, કોર્પોરેટરનો ઓડિયો વાઈરલ
ભક્તિનગર પોલીસે કરી કાર્યવાહી : લગ્નના ફૂલેકામાં જાહેરમાં દારૂ પીને નાચતા સાત શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. હરીન અરવિંદભાઈ પરમાર, પ્રતીક અરવિંદભાઈ પરમાર, ધવલ મગનભાઈ મારું, ગટીયો, મયુર ભરવાડ, ધર્મેશ આસુડો અને અજય ઉર્ફ જબરોની ધરપકડ કરવામાં આવી છે. 7 શખ્સોનું પોલીસે ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈને રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં એક આરોપી ફરાર હોવાની પણ માહિતી સામેે આવી છે.