રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ આજે વિસ્તારમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા તેમને ઘેરવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી શહેરનો કોઠારીયા વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યો છે, પરંતુ આ વિસ્તારમાં હજુ સુધી કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાઓ સ્થાનિકોને આપવામાં આવી નથી. જેના કારણે આજે કોર્પોરેશનના પદાધિકારીઓ વિસ્તારમાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા અને કોર્પોરેશનના પદાધિકારીઓને ઘેર્યા હતા. ત્યારબાદ તેમને વિસ્તારમાં પાણી અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને રજૂઆત કરી હતી. જોકે, ભાજપના પદાધિકારીઓને સ્થાનિકો દ્વારા ઘેરવામાં આવતા આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : Summer Water Problem : પીવાના પાણી માટે સરકારે ટોલ ફ્રી સેવા કરી શરૂ, રાજ્યમાં 53 ટકા પાણીનો જથ્થો
વિસ્તારમાં ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો : રાજકોટના કોઠારિયા વિસ્તારમાં ભાજપ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો દર્શિતા શાહ તેમજ રમેશ ટીલાળા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોર્પોરેશનના પદાધિકારી એવા રાજકોટના મેયર પ્રદીપ ડવ પણ હાજર રહ્યા હતા, પરંતુ ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. જેના કારણે ધારાસભ્યો અને મેયર કાર્યક્રમ અધવચ્ચે મૂકીને ભાગ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે સ્થાનિકો દ્વારા ધારાસભ્ય અને મેયરને પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અંગેની રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન
વિસ્તારમાં માત્ર પાણી અંગેની હતી રજૂઆત : આ ઘટના મામલે રાજકોટના મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, આજે યુવા મોરચાનો કાર્યક્રમ વોર્ડ નંબર 18માં કોઠારીયા વિસ્તારમાં યોજાયો હતો. જ્યારે આ કાર્યક્રમ પૂર્ણ થયો અને અમે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઘટના સ્થળેથી બહાર નીકળ્યા, ત્યારે સ્થાનિકો ત્યાંના કોર્પોરેટરને રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા. જેમાં તેમને જણાવ્યું હતું કે, વિસ્તારમાં વાલ્વ મેનના કારણે કેટલીક સોસાયટીઓમાં પાણી વધુ પ્રમાણમાં મળે છે અને કેટલીક સોસાયટીમાં પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં આવી રહ્યું છે. જે બાબત મારા ધ્યાનમાં આવતા મેં વિસ્તારના સીટી એન્જિનિયરને તાત્કાલિક આ વિસ્તારના વાલ્વમેન બદલાવાની સૂચના હતી. આ સાથે જ મેયરે વધુમાં જણાવ્યું કે, હું જ્યાં સુધી સ્થળ પર હતો. ત્યાં સુધી કોઈપણ સ્થાનિકો દ્વારા રોષ પૂર્વક રજૂઆત કરવામાં આવી નહોતી.