રાજકોટ : હાલના સમયમાં યુવાધન સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવાની અને પ્રસિદ્ધ થવાની ઘેલછામાં સતત રચ્યા પચ્યા રહે છે. ત્યારે રાજકોટની એક યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં શહેરમાં ભારે વરસાદ સાથે રસ્તા વચ્ચે એક તરફ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી તરફ એક યુવતી ચાલુ વરસાદમાં રસ્તા વચ્ચે રિલ્સ બનાવી રહી છે. જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આ યુવતીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેવામાં તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આ પ્રકારે જાહેરમાં ટ્રાફિક વચ્ચે રસ્તા પર વીડિયો બનાવવાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.
વાયરલ વીડિયો : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના અમીન માર્ગ ઉપર એક યુવતી લાલ કલરના કપડાં પહેરીને રસ્તા ઉપર સ્ટંટ કરતી જોવા મળી રહી છે. ચાલુ વરસાદમાં રસ્તા વચ્ચે યુવતી આ વીડિયો બનાવી રહી છે. જ્યારે પાછળથી આવી રહેલી કારને રસ્તા વચ્ચે જ ઉભી રહી જવાની ફરજ પડે છે. જેના કારણે ટ્રાફિક જામ સર્જાય છે. પરંતુ આ યુવતી રિલ્સ બનાવવા પાછળ એટલી મગ્ન હોય છે કે, તે પાછળની તરફ ધ્યાન આપતી પણ નથી. એવામાં ચાલુ વરસાદે રોડ વચ્ચે આ પ્રકારના સ્ટંટ કરતી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
પ્રસિદ્ધની ઘેલછા : આ અગાઉ પણ રાજકોટમાં હથિયાર સાથે યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. જેને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં આ યુવતીનો વીડિયો વાયરલ થયો છે.
યુવતીએ માફી માંગી : રાજકોટમાં હાલ સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની સમસ્યા છે. એવામાં અમીન માર્ગ ઉપર આ યુવતી એક રોલ્સ બનાવવા પાછળ વિસ્તારમાં ટ્રાફિક જામ કરી રહી છે. એવામાં આવા અનેક યુવક-યુવતીઓના શોખના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે યુવતીના આ સ્ટંટનો વીડિયો રાજકોટ થઈ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વાયરલ થઈ રહ્યો છે. બાદમાં પાલીસ દ્વારા આ મામલે તાકિદે કાર્યવાહી કરી હતી. યુવતીએ પણ બાદમાં આ બાબતે માફી માંગી હતી.