ઉપલેટાઃ રાજકોટના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાની સમસ્યાને લઇને પીડાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. ચોમાસા પહેલા રસ્તા નહીં બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રોડ રસ્તા ની સ્થિતિ છેલ્લા ઘણા સમયથી ખરાબ હોવાનું સામે આવ્યું છે. અહીંયા ખાસ કરીને ઉપલેટા તાલુકાના ખારચિયા, રાજપરા, ચરેલિયા, ઝાળ, હરિયાસણ, ઢાંક, મેરવદર, તણસવા ગામ તેમજ પોરબંદર રોડને જોડતો રસ્તો છેલ્લા દસ વર્ષથી ખરાબ હોવાનું આ વિસ્તારના લોકોએ જણાવ્યું છે. અહીંયા ખરાબ રસ્તાથી પીડાતા લોકોએ અને રાહદારીઓએ આ વિસ્તારની અંદર તાત્કાલિક ચોમાસા પહેલા રસ્તો બનાવી આપવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચાર કર્યા હતા.
લેખિત અને મૌખિક માંગણીઓ: આ અંગે ઉપલેટા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જયદેવસિંહ વાળાએ જણાવ્યું હતું કે, ઉપલેટા તાલુકા પંચાયતના નાગવદર બેઠકના સદસ્ય ચેતનાબા વાળાના વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાની તકલીફો ઊભી થઈ છે. આ તકલીફો અને સમસ્યાઓને લઈને અગાઉ પણ સ્થાનિકોએ અનેક લેખિત અને મૌખિક માંગણીઓને રજૂઆતો કરી છે. આજદિન સુધી અહીંયા રસ્તાનું સમારકામ નથી થયું. થોડા સમય પહેલા રસ્તો રીપેર કરવાના નામે માત્ર થીગડાંઓ મારી રસ્તા રીપેર કર્યા હતા. આ રસ્તાઓ થોડા જ દિવસોની અંદર તૂટી ગયા છે જે આજે પણ ખરાબ હાલતમાં છે. રાજપરા ગામ પાસેના રસ્તા પર આસપાસના ગામના લોકો એકત્રિત થયા હતા. સૂત્રોચાર કરી રસ્તો રીપેર કરવાની માંગ કરી હતી.
મોટી મુશ્કેલીઃ સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહીંયાના ગામના લોકો છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ ગામના લોકો જણાવે છે કે, આ વિસ્તારના અંદાજિત 20,000 ની વસ્તીના લોકો આ જટિલ સમસ્યાથી પીડાય છે. આ સમસ્યાથી પીડાઈ રહેલા સ્થાનિકોએ રસ્તાઓ પર પોતાના વાહનો સુવડાવીને સૂત્રોચ્ચાર કરીને રસ્તાઓ બનાવવાની માંગ કરી છે. આ રસ્તાઓ પર મુખ્યત્વે ખરાબ રસ્તાના કારણે મહિલાઓને જ્યારે પ્રસુતિ માટે દવાખાને લઈ જવું પડે છે ત્યારે રસ્તાની અંદર જ ડીલેવરી થઈ જાય છે. તકલીફો વેઠવી પડે છે. તેવા પણ કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે, ખરાબ રસ્તાના કારણે તેમના બાળકોને શિક્ષણ ક્ષેત્રે તકલીફ ઊભી થાય છે. સમયસર બાળકો શાળાએ પહોંચી નથી શકતા. ચોમાસા પહેલા રસ્તો બનાવી એવી અપીલ કરાઈ છે. સરકાર આ રસ્તાનું ચોમાસા પહેલા સમારકામ કરી નવો રસ્તો બનાવે તેવી માંગ કરી છે.