રાજકોટ : શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં રાજકોટ અને ગોંડલ તાલુકાના ગ્રામણી વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલા ડુંગળી, મરચા અને ઘઉં વરસાદમાં પલળી ગયા હતા. જ્યારે ગઇકાલે પણ રાજકોટના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Unseasonal Rain : ઐતિહાસિક રાણીની વાવમાં મેઘગર્જના સાથે વીજળી ત્રાટકતા મચી ભાગદોડ, એકનું મૃત્યુ
ગોંડલ યાર્ડમાં ખુલ્લા પડેલી જણસીઓ પલળી ગઇ : રાજકોટ શહેર ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. એવામાં રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં માર્ગો ભીંજાતા ખુલ્લામાં પડેલ જણસીઓ પણ પલળી ગઈ છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલા ઘઉં, ડુંગળી, અને મરચા સહિતની જણસીઓ પલળી જતા ભારે નુકસાન થવા પામ્યું છે. જ્યારે વરસાદને લઈને મરચાના ગ્રાઉન્ડમાં કાદવ જામ્યો છે. બીજી તરફ રાજકોટના લોધિકા વિસ્તારમાં આવેલ દેવગામ ખેતરમાં રહેલા વીજપોલ પડી ગયો છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની થવા પામી છે. વહેલી સવારથી જ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. તેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે.
આ પણ વાંચો : Unseasonal Rain : પાટણમાં ધોધમાર વરસાદના કારણે APMCમાં પડેલો પાક પાણીમાં ડુબી ગયો, ખેડૂતોને રોવાનો વારો આવ્યો
લોધીકા વિસ્તારમાં ભારે નુકસાન : રાજકોટ નજીક આવેલા લોધીકા તાલુકાના વિવિધ ગામોમાં પણ આજે સવારથી જ ધીમીધારે કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે દેવગામ ખાતે ખેતરમાં ઉભો કરવામાં આવેલા વીજ પોલ પડી ગયો હતો. જેના કારણે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. એવામાં ખેતરોમાં ઉભેલા ખુલ્લા પાક કમોસમી વરસાદમાં પલળી ગયા છે. તેને લઇને ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજકોટ સહિતના વિસ્તારોમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યુ છે.