રાજકોટ : રાજકોટના ધોરાજીમાં મોંઘવારીનો અનોખો ટુચકો જોવા મળ્યો છે. હાલ ટામેટાના ભાવમાં તોતિંગ ભાવ વધારાને લઈને ગરીબ અને મધ્યમ પરીવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે, ત્યારે મોંઘા ટમેટાને લઈ રાજકોટના ધોરાજીમાં એક મામાએ પોતાની ભાણેજના જન્મદિવસ નિમિતે કેકની જગ્યાએ ટામેટા કાપી જન્મદિવસની ઉજવણી કરી છે. સાથે ભેટમાં પણ મીઠાઈ અને ચોકલેટની જગ્યાએ અત્યારના મોંઘા ભાવના ટામેટાં આપીને અનોખો જન્મદિવસ ઉજવ્યો છે.
પોતાની ભાણેજના જન્મદિવસ નિમિતે કેકની જગ્યાએ ટામેટા કાપીને ઉજવણી કરી છે અને સાથે ભેટમાં પણ ટામેટા આપ્યા છે. - આશિષ જેઠવા (બાળકીના મામા)
ટામેટાના ભાવમાં તોતિંગ વધારો : આ સાથે શાકભાજીના વ્યાપારી યાસીનભાઈ જણાવે છે કે, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટમેટાના ભાવમાં તોતીંગ વધારાને લઈને સામાન્ય પરિવાર, મધ્યમ પરિવારને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવેલ છે.
ટામેટાનો ભાવ 150થી 200 રૂપિયા : રાજકોટના ધોરાજીમાં હાલ જોવા જઈએ તો, ટમેટાનો ભાવ 150થી 200 રૂપીયા એક કિલોનો ભાવ છે તેવું શાકભાજી વેપારીઓએ જણાવેલ છે કારણ કે, હાલમાં જ વધુ પડતા વરસાદને કારણે ટામેટાના પાકમાં નુકસાન ગયેલું હોય અને તેને લીધે આવક ઓછી છે. જેના પરિણામે ભાવમાં વધારો આવ્યો છે. ટામેટાના ભાવનો માર લોકો ન સહન કરતા લોકોએ ટમેટાના ભાવનો અનોખી રીતે ટુચકો પ્રદર્શિત કરેલો છે.
શાકભાજીના ભાવ : કહેવાય છે ને કે, બજારમાં એક વખત દરેકનો સમય ચોક્કસ આવે જ છે તે કહેવાત અત્યારે ટમેટાને લાગુ પડે છે. કારણ કે, હાલ ટામેટાનો ભાવ બજેટ ખોરવી રહ્યું છે. જેના કારણે ટામેટાને લગતા ઘણા બધા રમુજી ટુચકાઓ લોકો કરી રહ્યા છે. શાક માર્કેટમાં ટામેટાનો ભાવ આસમાને જતા ગૃહિણીઓના રોજિંદા બજેટ ખોરવાઈ ગયા છે. ટામેટા મોંઘી વસ્તુમાં આવી ચૂક્યા છે. શાકભાજીના ભાવ જોવા જઈએ તો પ્રતિ કિલોમાં લીંબુ ભાવ 15થી 30, બટેટા 8થી 15, ડુંગળી 7થી 15, કોથમરી 70થી 100, રીંગણા 20થી 40, કાકડી 20થી 30, મેથી 60થી 90, મરચા 40થી 70 અને આદુ 130થી 150 રૂપિયા પ્રતિ કિલો ભાવ બોલાઈ રહ્યા છે.
ટામેટા સાથે જન્મદિવસની ઉજવણી : આ બધી બાબતો વચ્ચે રાજકોટના ધોરાજીમાં જન્મદિવસની ઉજવણીમાં કેકની જગ્યાએ ટમેટા કાપીને બાળકીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. પોતાના મિત્ર મંડળ, આડોશી-પાડોશી તેમજ સગા વહાલાઓએ મોંઘા ટામેટાઓની ભેટ આપી જન્મદિવસની શુભકામના પાઠવેલી હતી. જન્મદિવસની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, શિયાળામાં જે ટામેટા 10 રૂપિયાના પાંચ કિલો લેખે વેચાતા હતા એ જ ટમેટા આજે બજારમાં 150થી 200 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે, ત્યારે આ મોંઘી વસ્તુની મોંઘી ગિફ્ટ આપી અને મોંઘી કેક કાપીને અનોખો ટુચકો કર્યો છે.