રાજકોટ: જામનગરથી વંદે ભારત ટ્રેન શરૂ થયાં બાદ સૌરાષ્ટ્રને વધુ એક નવી અને લાંબા રૂટની ટ્રેન સેવાનો લાભ મળ્યો છે. જે અંતર્ગત રાજકોટથી દિલ્હી માટેની ડાયરેક્ટ ટ્રેન સેવા શરૂ થઈ છે. આજે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, સાંસદ મોહન કુંડારિયા, રાજકોટના મેયર સહિતના રાજકીય-સમાજીક કાર્યકરો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટથી દિલ્હી સુધીની આ ટ્રેનને લીલીઝંડી આપી રવાના કરી હતી. મહત્વપૂર્ણ છે કે, રાજકોટથી દિલ્હી વચ્ચે આ ટ્રેન શરૂ થતાં રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના મુસાફરોને તેનો સીધો લાભ મળશે અમાંથી પણ સૌથી વધુ લાભ વેપારીવર્ગને થશે.
રાજકોટથી દિલ્હી ટ્રેન: રાજકોટના સાંસદ મોહન કુંડારિયા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આજે ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. હવેથી, ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા અને ટ્રેન નંબર 20914 દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન પરંપરાગત રેકને બદલે નવા રૂપાંતરિત એલએચબી રેક સાથે દોડશે. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે સૌને આવકાર્યા હતા અને સાંસદ મોહન કુંડારીયા તેમજ સાંસદ રામ મોકરીયાનો રેલવેની સુવિધા વધારવામાં તેમના સતત પ્રયત્નો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
સૌરાષ્ટ્રના મુસાફરોને મળશે લાભ: આ પ્રસંગે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા અને દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનોમાં એલએચબી રેકની સુવિધા મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. સાંસદ મોહન કુંડારિયાએ વધુમાં જણાવ્યું હતું કે,જ્યારે રાજકોટથી દિલ્હી સુધીની ટ્રેન શરૂ થતાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના વેપારીઓને તેનો સીધો લાભ મળશે.