રાજકોટ: ગુજરાત ATSએ એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ કરી હતી. એટીએસ મુજબ આ ત્રણેય લાંબા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા. તેઓ સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા હતા. એટીએસને તેની પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે.
ટેલીગ્રામ મારફતે જેહાદી પ્રવૃતિઓ: ATSના સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બંગાળના અને રાજકોટ સોની બજારમાં કામ કરતા યુવકોને આરોપીઓએ ટાર્ગેટ બનાવ્યા હતા. આતંકીઓ ટેલીગ્રામ મારફતે જેહાદી પ્રવતિઓની સોફ્ટ કોપી મંગાવતા હતા અને બાદમાં ચેટ ડીલીટ કરી નાખતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગુજરાત ATSએ એફએસએલની મદદ લીધી છે. અત્યાર સુધી તેમને કોઈ ટાર્ગેટ આપવામાં આવેલ નહિ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
મુસ્લિમ કારીગરોને દેશ વિરુદ્ધ ભડકાવાનું કામ: પકડાયેલા ત્રણેય આતંકીઓ છેલ્લા છ મહિનાથી રાજકોટના સોની બજારમાં જ રહીને કામ કરતા હતા અને તેઓ અલકાયદાથી પ્રભાવિત થયા હતા અને તેનો ફેલાવો કરતા હતા. તેઓ સોની બજારના બાંગ્લાદેશના મુસ્લિમ કારીગરોને દેશ વિરુદ્ધ ભડકાવાનું કામ કરતા હતા. પશ્ચિમ બંગાળથી તેઓ રાજકોટ સુધી પહોંચ્યા હતા. પકડાયેલા આતંકીઓમાં અમન સીરાજ, તેનો સાળો અબ્દુલ સુકર અલી ઉર્ફે અબ્દુલ્લા અને શેફ નવાઝ કટ્ટરપંથી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે આતંકીઓને લઈને ગુજરાત ATSએ વધુ તપાસ હાથ ધરી છે.
ઓનલાઇન હથિયાર ઓપરેટ કરવાની તાલીમ: આ મામલે પકડાયેલા આરોપી અમન મલિકની તપાસમાં સામે આવ્યું હતું કે છેલ્લા એક વર્ષની ટેલિગ્રામ એપ્લિકેશનની માધ્યમથી વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને પુરુષા નામની ઓળખ બનાવનાર વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવ્યો હતો. તેઓના પ્રેરિત કરવાથી અલ કાયદા તંજીમમાં જોડાયો હતો. તેઓ ટેલિગ્રામ મારફતે ઉશ્કેરણીજનક સાહિત્ય અને વીડિયો મેળવતા હતા અને ઓનલાઇન માધ્યમ દ્વારા ઓટોમેટિક હથિયાર ઓપરેટ કરવાની તાલીમ પણ મેળવતા હતા.