રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ફરી નિલાંબરી દવેની નિમણુંક કરવામાં આવી છે. અગાઉના ઈન્ચાર્જ કુલપતિ ડૉ ભીમાણીને ક્યાં કારણોસર ઈન્ચાર્જ પદેથી હટાવવામાં આવ્યા છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ ડો ગિરીશ ભીમાણીના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદોના વમળ સર્જાયા હતા.
વિવાદાસ્પદ કાર્યકાળઃ ડૉ. ગિરીશ ભીમાણીના કાર્યકાળ દરમિયાન પરીક્ષા પેપર ફૂટવા, માટી કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના અનેક વિવાદાસ્પદ કૌભાંડો થયા હતા. જે મામલે હાલ તપાસ પણ ચાલી રહી છે. કેટલાક કૌભાંડમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે. એવામાં આજે અચાનક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદ પરથી ડૉ. ગિરીશ ભીમાણીને હટાવવામાં આવ્યા છે. ગિરીશ ભીમાણીને પદ પરથી હટાવતા વિદ્યાર્થી આલમ, શિક્ષક ગણ, સ્ટાફમાં અનેક તર્ક વિતર્ક શરુ થઈ ગયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૌભાંડોથી અકળાઈને એક પ્રોફેસર દ્વારા આ કૌભાંડો પર કવિતા પણ લખવામાં આવી હતી. જેમાં પ્રોફેસરે માંફી માંગવી પડી હતી.
બીજીવાર નિમણુંકઃ નિલાંબરી દવે હોમ સાયન્સ વિભાગના એચઓડી તરીકે ફરજ બજાવતા હતા. તેમણે આ હોદ્દા પરથી સીધા જ ઈન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યા છે. નિલાંબરી દવેની આ નિમણુંકથી અનેક વર્ગમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. નિલાંબરી દવેની આ પદ પર બીજીવાર નિમણુંક કરવામાં આવી છે. વર્ષ 2018થી 19 દરમિયાન 8 માસ જેટલો સમય નિલાંબરી દવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ નિમાયા હતા. નિલાંબરી દવેની બીજીવાર નિમણુંકથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાપ થોડી ઉજળી થવાની આશા વર્તાઈ રહી છે.