રાજકોટ: રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે શાપર-વેરાવળમાંથી ગેરકાયદે હથિયાર સાથે એક કારખાનેદારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેની પાસેથી 51 કાર્ટીસ અને એક પિસ્તોલ મળી આવી હતી. ઝડપાયેલા કારખાનેદાર પાસેથી ખાલી મેગઝીન, આઇફોન મળી રૂપિયા 20,80,600 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પિસ્ટલ સાથે ઝડપાયો કારખાનેદાર: રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા ગેરકાયદે હથિયાર રાખતા શખસો સામે કાર્યવાહી કરવાની સુચના સંદર્ભે ગ્રામ્ય એલસીબી પી.આઇ. વી.વી.ઓડેદરાની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી, ત્યારે બાતમી મળતા શાપરના ગંગા ફોર્જીંગ ગેટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપી સ્કોર્પીયો કારમાં નીકળતા તેને અટકાવી પુછપરછ કરી હતી, જ્યારે ર્સ્કોપીયો કારની જડતી લેતા તેમાંથી એક પિસ્તોલ, 51 કાર્ટીસ, એક ખાલી મેગઝીન મળી આવી હતી.
કોણ છે આ કારખાનેદાર: 52 વર્ષીય આ આરોપીનું નામ કૈલાશકુમાર રામસુમીરન શુકલા છે, જે મૂળ ઉતરપ્રદેશના બારાબંકી જિલ્લાના હૈદરગઢ તાલુકાના શુકલાપુર ગામનો નિવાસી છે અને શાપર ખાતે ઓટોપાર્ટસ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. તેમજ રાજકોટના ધરમનગરના શિવમ પાર્ક મેઇન રોડ પર રહેતો હોવાનું જણાવ્યું હતું. પિસ્તોલ અને કાર્ટીસ વિશે આરોપીની પૂછપરછ કરતા તેણે આ હથિયાર અને કારતૂસ ઉતરપ્રદેશના નિવાસી તેના જ ગામના અજયકુમાર ચૌહાણ નામના વ્યક્તિ પાસેથી લીધા હોવાની કબૂલાત આપી હતી.
શા માટે રાખી હતી ગન: હાલ તો પોલીસે હથિયાર અને સ્કોર્પિયો કાર તેમજ આઇફોન મળીને પોલીસે કુલ 20.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કૈલાશની આગવી ઢબે પુછપરછ કરતા તેણે કબુલાત આપી હતી કે, થોડા સમય પહેલા તેની બાજુમાં જ કારખાનું ધરાવતા એક પટેલ કારખાનેદાર સાથે માથાકૂટ થઇ હતી. તે સમયે સામેવાળાઓએ તેને કૈલાશને માર માર્યો હતો. હજુ પણ માથાકૂટ થશે અને હુમલો થશે તેવો ભય હોવાથી કૈલાશકુમારે પોતાના સ્વરક્ષણ માટે હથિયાર રાખ્યું હોવાનું કબૂલ્યું હતું. આ સાથે બીજી તરફ હાલ પોલીસે આ અંગે શાપર પોલીસ મથકમાં આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે હથિયાર અંગે અન્ય અજય ચૌહાણ નામના શખસનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ પણ હાથ ધરી છે.