રાજકોટ : રાજકોટમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઇને પોલીસ કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં એક પરિપત્ર બહાર પાડીને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઉભી રહેતી ખાનગી ટ્રાવેલ્સને દિવસ દરમિયાન રસ્તા ઉપર ચાલવાનો પ્રતિબંધ મૂક્યો હતો. જોકે પોલીસ કમિશનરના આ પ્રકારના નિર્ણયને કારણે ખાનગી ટ્રાવેલ્સ એજન્ટો અને ટ્રાવેલ્સના સંચાલકો રોષે ભરાયા હતા. તેમજ આ મામલે વિવાદ વધુ વકર્યો હતો. જેને લઈને ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા આ મામલે વારંવાર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી, ત્યારે આજે પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બપોરના 2થી 5 વાગ્યા દરમિયાન 150 ફૂટ રીંગ રોડ પર ખાનગી બસોને પ્રવેશ માટેની મંજૂરી જાહેર કરી છે.
શહેરમાં બપોરે 2થી 5 વાગ્યા સુધી છૂટ : જ્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા હવે ખાનગી બસોના સંચાલકોને બપોરે 2થી 5 વાગ્યા સુધી 150 ફૂટ રીંગ રોડ ઉપર પ્રવેશની છૂટ આપવામાં આવી છે. ત્યારે આ મામલે હજુ પણ અસમંજસતા જોવા મળી રહી છે. પોલીસ કમિશનરના નિર્ણયને લઈને રાજકોટ ટ્રાવેલ્સ ખાનગી ટ્રાવેલ્સ એજન્સીના પ્રમુખ દશરથસિંહ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં કરી છે.
પોલીસ કમિશનર દ્વારા હજુ પણ આજ પ્રકારની ભૂલ કરવામાં આવી રહી છે. જ્યારે બપોરે 2થી 5ના સમયે અમારી બસો રાજકોટ શહેરમાં પ્રવેશતી નથી, સવારે અને સાંજના સમયે મોટાભાગે ખાનગી બસો પ્રવેશતી હોય છે, ત્યારે પોલીસ કમિશનર દ્વારા જે 2થી 5નો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તેનાથી અમે સહમત નથી. આ મામલે અમે આગામી દિવસોમાં રાજ્ય સરકારને પણ રજૂઆત કરીશું અને જરૂર જણાય તો હાઇકોર્ટમાં આ અંગેની કાર્યવાહી કરીશું. - દશરથસિંહ વાળા (પ્રમુખ, ખાનગી ટ્રાવેલ્સ એસો.)
શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર : ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના વિકાસની સાથે તેનો વિસ્તાર પણ ધીમે ધીમે વધી રહ્યો છે. જેના કારણે રાજકોટમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી બની છે. એવામાં રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થાય તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા શહેરના 150 ફૂટ રીંગ રોડ પર દિવસ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સોને પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડ્યું હતું, પરંતુ આ જાહેરનામાનો ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ વિરોધ કર્યો હતો. જેના પગલે પોલીસ કમિશનરે ફરી ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો માટે બપોરે બેથી પાંચની છૂટ આપી હત, પરંતુ પોલીસ કમિશનરના આ નિર્ણય સામે પણ ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને તેઓ આગામી દિવસોમાં હવે આ મામલે રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરશે.