રાજકોટ: રાજકોટ શહેરના વિકાસ સાથે તેની વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે. એવામાં રાજકોટમાં દરરોજ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે શહેરમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિકની ડ્રાઇવ યોજવામાં આવતી હોય છે. જેને લઇને ટ્રાફિક પોલીસ દ્વારા આજે છકડો રીક્ષા અંગેની ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં સવારથી લઈને સાંજ સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 106 જેટલા છકડો રીક્ષાને ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા. શીતલ પાર્ક નજીક આવેલા ટ્રાફિક પોલીસના ગ્રાઉન્ડ ખાતે મૂકવામાં આવ્યા હતા.
"તાજેતરમાં જ શહેરના કુવાડવા રોડ ઉપર ભયજનક રીતે ઓવરલોડ ભરેલા છકડો રીક્ષાના કારણે એક આશાસ્પદ યુવાનનું મોત થયું હતું. જેના કારણે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે ગંભીરતા દાખવવામાં આવી હતી અને શહેરમાં ભયજનક રીતે ઓવરલોડ ભરેલા છકડા રિક્ષા મામલે કાર્યવાહી હાથધરાઇ હતી. ત્યારે માત્ર એક જ દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભ્ય જનક રીતે રસ્તાઓ ચાલી રહેલા 106 જેટલા છકડો રીક્ષાને ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવી હતી. તેમના ચાલક વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં છકડો રીક્ષાના કારણે થતા અકસ્માતોને રોકવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ શરૂ રાખવામાં આવશે"-- જે.વી ગઢવી (ટ્રાફિક પોલીસ ACP)
ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી: રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો રાજકોટ ખાતે નાના-મોટા કામ માટે અવરજવર કરતા હોય છે. આ સાથે જ રાજકોટના વિસ્તારમાં પણ વિકાસ થયો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા રાજકોટમાં દરરોજ જોવા મળે છે. એવામાં ટ્રાફિકની સમસ્યાને સાથે હવે અકસ્માતની સંખ્યામાં પણ ભયજનક વધારો થયો છે. એવામાં રાજકોટ પોલીસ દ્વારા આ મામલે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ અગાઉ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ભયજનક રીતે ચાલતા ઓવરલોડેડ ટ્રકો મામલે ડ્રાઇવ યોજવામાં આવી હતી. હવે રાજકોટ પોલીસ દ્વારા છકડો રીક્ષા મામલે ડ્રાઇવ યોજવામાં આવતા રિક્ષાચાલકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.