રાજકોટઃ રાજકોટ શહેરમાંથી સમયાંતરે એવા નશીલા પદાર્થ પકડાય છે. જે સમગ્ર સિસ્ટમ સામે પ્રશ્નો ઊભા કરે છે. યુવાધન નશાના રવાડે ચડ્યું હોય તેમ ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો મોટી માત્રામાં પકડાઈ રહ્યા છે. એવામાં રાજકોટમાં 20 કિલો ગાંજા સાથે બે શખ્સોને ભક્તિનગર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આ બંને શખ્સો ગાંજો લઈને આવી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી.
પોલીસ તપાસ ચાલુંઃ જેના આધારે પોલીસે વોચમાં હતી. તેમજ જેવા આ બંને શખ્સો ગાંજો લઈને આવ્યા ત્યારે તાત્કાલિક તેમની જડતી લેવામાં આવી હતી અને તેમની પાસેથી 20 કિલો ગાંજો મળી આવ્યો હતો. જેના આધારે ભક્તિનગર પોલીસે આ બંને ઈસમોની ધરપકડ કરી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ વિભાગમાંથી મળતી વિગત અનુસાર આ કેસમાં હજું બીજા શખ્સો સંડોવાયેલા હોઈ શકે. રાજકોટ SP મનોજ શર્માએ આ મામલો મોટા ખુલાસા કર્યા છે.
ભક્તિનગર પોલીસને બાતમી મળી હતી કે કોઠારીયા ચોકડી નજીક બે શખ્સો બેગમાં ગાંજો ભરીને આવવાના છે. જ્યારે આ પ્રકારની બાતમી મળતા તાત્કાલિક પોલીસ કર્મચારીઓ કોઠારીયા ચોકડી નજીક વોચમાં ગોઠવાઈ ગયા હતા. આ બંને ઈસમો જેવા જ કોઠારીયા ચોકડી ખાતે આવ્યા ત્યારે તાત્કાલિક તેમની ધરપકડ કરી હતી. બલવીર હરનારાયણ અહિલવાર અને મહેશ મનસુખભાઈ ઉર્ફ મનુભાઈ બાબરીયા નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં વધુ એક મહિલાનું નામ ખુલ્યું હતું. આ ગુનામાં સબાના સામીદભાઈ બુખારી નામની મહિલા હાલ ફરાર છે. --મનોજ શર્મા (રાજકોટ, SP)
સુરતથી લાવ્યા: કુલ 20 કિલો ગાંજા સાથે ઝડપાયેલા આ બંને આરોપીઓ મૂડ શાપર વેરાવળના છે. તેમની પાસેથી બે અલગ અલગ બેગમાં 10 - 10 કિલો ગાંજો મળી આવ્યો હતો. આ બંને આરોપીઓ સુરતથી ગાંજાનો જથ્થો લાવ્યા હતા. એક ઈસમ આ બંને આરોપીઓને રસ્તા ઉપર ગાંજો આપી ગયો હતો અને ત્યારબાદ તેઓ ગાંજો રાજકોટ ખાતે લઈને આવ્યા હતા.
કોણ છે સબાનાઃ રાજકોટથી આ ગાંજો સબાના નામની મહિલાને આ બંને ઈસમો આપવાના હતા. પોલીસની વિશેષ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ બંને શખ્સો અગાઉ ત્રણ વાર આ પ્રકારે ગાંજો લઈને આવ્યા હતા. જેના માટે આ બંને શખ્સો ગાંજો લઈ આવતા હતા. તેઓ તેમને રૂપિયા 5 હજારનું મહેનતાણું આપતા હતા. હાલ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.