રાજકોટ : સ્વામિનારાયણ આત્મીય સંકુલના સંચાલક એવા ત્યાગવલ્લભ સ્વામી સહિત ચાર લોકો વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામી સહિતના ચાર લોકોએ અલગ અલગ શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓમાં રૂપિયા 33 કરોડની છેતરપિંડી આચરી હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં બોગસ કર્મચારીઓ ઊભા કરવામાં આવ્યા હતા. તેમના એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ આ એકાઉન્ટમાં અલગ અલગ રોકડ નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ પ્રકારની ગેરરીતિ સંસ્થા સાથે આચરમાં આવી છે. આ પોલીસ ફરિયાદ સ્વામિનારાયણ સંપ્રદાયના જ પવિત્ર જાની દ્વારા કરવામાં આવી છે, ત્યારે હરિધામ સોખડા સંચાલિત આત્મીય સંકુલના સંચાલક સહિતના લોકો વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
35 જેટલા કેસો : સ્વામીનારાયણ સંપ્રદાયના ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, સમાચાર માધ્યમોમાં જે પ્રકારની ખબરો આવી છે. જેને લઈને મને એવું લાગ્યું કે મારે ખુલાસો કરવો જોઈએ. જેમાં ગત 21 એપ્રિલ 2022ના રોજ હરિધામ સોખડા મંદિર અને સંસ્થા છોડીને ગયેલા એક ગ્રુપના સભ્ય પવિત્ર જાની દ્વારા સંસ્થાને બદનામ કરવા માટે, ખોટી રીતે સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંસ્થા સાથે જોડાયેલા લોકોને હેરાન કરવા માટે જુદા જુદા 35 જેટલા કેસો કરવામાં આવ્યા છે. તે પૈકી રાજકોટમાં પણ જે રીતે કમિશનરની ઓફિસમાં એક કેસ કરેલો છે. તેમજ વધારામાં આ અંગે તેમણે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે.
જ્યારે રાજકોટના કાલાવડ રોડની આત્મીય યુનિવર્સિટી એક મોટું સંસ્થાન છે, ત્યારે વર્ષો વર્ષ આવી સંસ્થાનોમાં ચાર્ટર એકાઉન્ટ માટે હિસાબો ઓડિટ થતા હોય, ત્યારે આ ઓડિટ થયેલા હિસાબોની નકલ સરકાર અને લાગતા વળગતા વિભાગોમાં પણ મોકલવામાં આવતી હોય છે. હાલ આ મેટર કોર્ટમાં શરૂ છે અને હિયરિંગ પર છે, ત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. પવિત્ર જાની દ્વારા જે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે. - ત્યાગવલ્લભ સ્વામી (સ્વામિનારાયણ સંપ્રદાય)
પોલીસ તપાસ : રાજકોટના ACP બીજે ચૌધરીએ જણાવ્યું હતું કે, આત્મીય વિદ્યાધામ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં પવિત્ર જાની નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. જેમાં તેમને જણાવ્યું છે કે, આત્મીય વિદ્યાધામમાં સર્વોદય કેળવણી સમાજ નામના ટ્રસ્ટ દ્વારા રૂપિયા 33 કરોડની ઉપાચત કરવામાં આવી છે. આત્મીય વિદ્યાધામ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં ધર્મેશ જીવાણી, વૈશાલી જીવાણી, નિલેશ મકવાણા તેમજ સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી અને વહીવટદારો સમાવેશ થાય છે. આ લોકોએ સર્વોદય કેળવણી સમાજના નામે આત્મીય સંસ્થાન સાથે છેતરપિંડી આપીને 33 કરોડની ઉપાચત કરી છે. જ્યારે આ મામલે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવતા ચકચાર મચી જવા પામી છે, ત્યારે હવે આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાઈ છે.