રાજકોટ : મોજ નદીના પાણી પ્રદૂષિત થવા મામલે લોકોનો ખૂબ જ રોષ વ્યાપ્યો ચે. ઉપલેટા મોજ નદી કાંઠે વાડલા રોડ પર રહેતા દેવાભાઈ રબારીએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે તેઓ અહીંયા છેલ્લા ઘણા સમયથી રહે છે. પોતે માલધારી છે જેથી અહીંયા તેઓ તેમજ આસપાસના વિસ્તારના માલધારીઓ પશુઓને પાણી પાવા તેમજ ચરાવવા માટે આવતા હોય છે. છેલ્લા ત્રણચાર દિવસથી આ માલધારીને આ વહેતા પાણીનો રંગ બદલાતો હોવાનું નજરે પડ્યું છે.
અનેક પ્રકારની સમસ્યાનો સામનો : આ અંગે વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ લાલ પાણી થવાને લઈને તેમને રોજિંદા ઉપયોગમાં લેવા માટે જેમ કે પીવા માટેનું પાણી, મહિલાઓ અહીં કપડાં ધોવા માટે આવે છે તેમજ બાળકો તેમજ અન્ય લોકો નહાવા માટે આવે છે. આ કલરવાળા પાણીથી તેઓને શરીરની અંદર ઇન્ફેક્શન તેમજ ખુજલી થવાની પણ ફરિયાદ છે અને સાથે જ તેઓને આ કલરવાળા પાણીથી અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો અહીંની ગટરમાં જાણે અચાનક લોહી વહેવા લાગ્યુઃ લોકોમાં રોષ
તટસ્થ તપાસ કરવા માગણી : રાજકોટના ઉપલેટા શહેરની આ મોજ નદીમાં અચાનક છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણીના પ્રવાહનો રંગ લાલ થઈ ગયો હોવાની બાબત સામે આવતા અહીંયાના રહેવાસીઓ, માલધારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આ લાલ પાણી અને તેમનાથી પડતી સમસ્યાઓને લઈને તેમની મુશ્કેલીઓ વધતા સ્થાનિક લોકોએ આ અંગેની તપાસ કરાવવાની માગ કરી છે. તંત્ર દ્વારા પાણીને બગાડનાર તેમજ પાણીનું પ્રદૂષણ જેવું નુકસાન કરનાર સામે તટસ્થ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ઢોર માટે પણ ચિંતા : હાલ આ લાલ પાણીના દ્રશ્યો જોઈને તેઓમાં પણ અચાનક ચિંતા જોવા મળી છે. કારણ કે તેઓ માલ ઢોરને પાણી પાવા આવતા હોય છે પરંતુ આ લાલ પાણી જોઈને માલ ઢોરની અને અહીંયાના સ્થાનિક લોકોની જરૂરિયાત માટેનું પાણી અચાનક બદલાઈ જતા ચિંતા સર્જાઇ છે. એકતરફ રાજ્યની સાબરમતી નદી જેવી મહત્ત્વની નદી દેશની બીજા નંબરની સૌથી વધુ પ્રદૂષિત નદી તરીકે ચર્ચામાં છે અને હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યાં છે તેવામાં નદીઓના જળને પ્રદૂષણથી બચાવવાની વાતો કરનારા લોકોને ઉપલેટાની મોજ નદીની આ હાલત અંગે શા પગલાં ભરવા જોઇએ તે લોકોએ કહેવાની જરુર પડી રહી છે જે ચિંતાજનક છે.