રાજકોટ : દેશભરમાં દશેરાની ઉજવણીના બસ હવે ગણતરીના કલાકો બાકી છે. એવામાં રાજકોટની વિરાણી હાઇસ્કૂલ દ્વારા દશેરાની શાળામાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં તેમજ શિક્ષણ કાર્યમાં વાપરતા સાધનો અને વસ્તુઓની મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી હતી. આ પૂજામાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો સહિતના સ્કૂલ તંત્રના કર્મચારીઓ પણ જોડાયા હતા અને શૈક્ષણિક સાધનોની પૂજા કરી હતી. આવતીકાલે દશેરા નિમિત્તે જાહેર રજા હોઇ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શૈક્ષણિક સાધનોની કરાઇ પૂજા : આ અંગે રાજકોટ વિરાણી હાઇસ્કૂલના આચાર્ય એવા હરેન્દ્રસિંહ ડોડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દશેરાની પૂર્વ પ્રભાતે વિરાણી હાઇસ્કૂલના બાળકો અને શિક્ષકો દ્વારા વસુદેવ કુટુમ્બકમની ભાવનાથી બાળક એક વિશ્વ નાગરિક બને તે માટે તેમજ અન્ય ધર્મને માન આપતો થાય અને એકતાની ભાવના કેળવાય તે હેતુથી શૈક્ષણિક શસ્ત્રો એટલેકે શૈક્ષણિક સાધનોની પૂજા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે.
ધાર્મિક ગ્રંથોનું પણ પૂજન : જે સાધનોની પૂજા કરવામાં આવી તેેમાં પેન, પેન્સિલ, નોટબુક, કંપાસ, પરિકર, લેપટોપ સહિતના શિક્ષણમાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ સાધનોની બાળકો દ્વારા પૂજા કરવામાં આવી છે. આ સાથે જ પૂજામાં વિવિધ ધર્મના ધાર્મિક ગ્રંથોનું પણ પૂજન કરવામાં આવ્યું છે. જ્યારે બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધે તે માટે પ્રકૃતિનું પણ પૂજન અહી કરાયું હતું.
સર્વધર્મ સમભાવ માટેનો અનોખો પ્રયાસ : વિરાણી સ્કૂલ દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ પ્રકારની અનોખી પૂજા દશેરા નિમિતે યોજવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દશેરા નિમિતે લોકો શસ્ત્ર પૂજન કરતા હોય છે. એવામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પોતાના લક્ષ્ય પ્રાપ્તિ માટે પોતાના શસ્ત્રો એવા પેન્સિલ, પેન, લેપટોપ તેમજ શાળા કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતી મોટાભાગની વુસ્તુઓનું મંત્રોચ્ચાર સાથે પૂજન કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અને આચાર્ય જોડાયા હતાં તેમજ શૈક્ષણિક વસ્તુઓનું પૂજન કર્યું હતું.