રાજકોટ : ભગવાન શ્રી રામલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 22 અને 23 જાન્યુઆરીએ એમ બે દિવસ વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી મગજ (લાડું) પ્રસાદ અપાશે સાથે જ આજીવન રામલલ્લાને બે ટાઈમ થાળ પણ ધરાશે ત્યારે આ બાબતને લઈને વિરપુર પંથકના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
બસો વર્ષ પહેલાંના સમયનુ પુનરાવર્તન છે કારણકે ભગવાન શ્રી રામ તો અંતર્યામી છે તેમને ખબર છે કે, વીરપુરના થાળમાં જ જલારામ બાપાના પરસેવાની ખુશ્બુ છે. બસ્સો વર્ષ પહેલાં જ્યારે તેઓ બાપાની પરિક્ષા કરવા વીરપુર આવ્યા હતા ત્યારે પૂજ્ય જલારામ બાપા તથા વીરબાઈમા બંને ખેતરમાં દાડીમજૂરી કરીને ગરીબ ભૂખ્યા લોકો માટે સદાવ્રત ચલાવતાં. ત્યારે તેમણે આ પરસેવાની ખુશ્બુનો અનુભવ કરેલો જ હતો. આ જે કઈ વ્યવસ્થા ગોઠવાઈ તે ભગવાન શ્રી રામની પ્રેરણાથી જ શક્ય છે. અયોધ્યામાં ચાલતા શ્રી રામ મંદિર નિર્માણમાં સહભાગી તેવા મગજના પ્રસાદમાં વીરપુર પૂજ્ય જલાબાપાની જગ્યા જેવો જ અહેસાસ થશે. ભગવાન શ્રી રામ મંદિરે ધરાવવામાં આવતા આજીવન થાળ તેમજ 22 અને 23 મી જાન્યુઆરીના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મગજનો પ્રસાદ પ્રસાદીરૂપે વિતરણ જ્યારે સમગ્ર ભારતમાં ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠાને વધાવવા ઉત્સાહ છે ત્યારે વિરપુરમાં વિરપુર વાસીઓમાં અત્યારથી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે...રમેશ ગઢિયા (સ્થાનિક આગેવાન વીરપુર જલારામ )
જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુકડો : જલાબાપાનો મહિમા 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્યાતિભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આપણે વીરપુરના પૂજ્ય જલારામ બાપાને તો કેમ ભૂલી શકીએ કારણ કે " જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુકડો " ના સૂત્રને સાર્થક કરનાર વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાને અવશ્ય યાદ કરવા પડે.
આજીવન યજમાન વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા : આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યાના ગાદીપતિ રઘુરામબાપાએ અયોધ્યામાં શ્રી રામ મંદિરના ટ્રસ્ટીઓ સાથે વાત કરીને ત્યારે 4 ડિસેમ્બર 2020ના રોજ પૂજ્ય જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે, વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના મદિરમાં શ્રી રામ લલ્લાને જે થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લાડુ પ્રસાદનું વિતરણ : વિશ્વમાં સમૃદ્ધિ અને ચળકાટ ધરાવતા લાખો હિન્દુ મંદિરો છે તેમ છતાં અયોધ્યા રામ મંદિર નિર્માણના ટ્રસ્ટીઓએ એક નાનકડા અને જ્યાં પૈસા કે અન્ય કોઈપણ સ્વરૂપે દાન સ્વીકારતું નથી એવા વીરપુર પૂજ્ય જલાબાપાની જ્ગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાની વિનંતી સ્વીકારી. સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત હજુ એ છે કે આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી અયોધ્યા ખાતે ભગવાનશ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને ભગવાન શ્રી રામના દર્શન કરવા આવેલ તમામ દર્શનાર્થીઓને 22 અને 23 જાન્યુઆરીએ એમ બે દિવસ મગજનો (લાડુંનો) પ્રસાદ આપવામાં આવશે.
મગજના પ્રસાદનું વિતરણ : પૂજ્ય જલારામ બાપાના પરિવારજન એવા ભરતભાઇ ચાંદ્રાણીએ જણાવ્યું હતું કે, વિરપુર થી 50 થી 60 સ્વંયમ સેવકોની ટીમ 2 જાન્યુઆરીના રોજ અયોઘ્યા જવા રવાના થશે અને તે સ્વયંમ સેવકો અયોઘ્યા પહોંચીને મગજનો પ્રસાદ ત્યાં બનાવીને 22 અને 23 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના મંદિર પરિસરમાં ખાસ ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ ભાવિકોને મગજના પ્રસાદનું વિતરણ કરશે.