રાજકોટ : સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર એવા રાજકોટ એરપોર્ટ પર આજથી પુના માટેની ડેઇલી ફ્લાઈટ શરૂ થઈ છે. ત્યારે પુના માટેની ફ્લાઈટ સવારે 9 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચી હતી. રાજકોટ પુનાની ફ્લાઈટ પ્રથમ વખત આવી પહોંચતા એરપોર્ટ પ્રશાસન દ્વારા તેનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ફલાઈટને વોટર સેલ્યુટ આપવામાં આવ્યું જેવી જ રાજકોટ પુનાની ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે આ ફલાઈટને વોટર સેલ્યુટ આપવામાં આવ્યું હતું. રાજકોટને વધુ એક શહેરની ડેઇલી ફ્લાઈટ મળતા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રવાસીઓને તેનો સીધો લાભ થશે.
રાજકોટથી પુનાની ડાયરેક્ટ ફ્લાઈટ : 3 જુલાઈ એટલે કે આજથી રાજકોટ પુના માટેની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ છે. ત્યારે આજે વહેલી સવારે 7:30 વાગે પુનાથી આ ફ્લાઈટ ઉપડી હતી અને રાજકોટમાં સવારે 9:00 કલાકે પહોંચી ગઈ હતી. જ્યારે રાજકોટ એરપોર્ટ ઉપર પ્રથમવાર પુનાની ડાયરેક્ટ ફ્લાઈટ આવી પહોંચતા અહીંયા એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફ્લાઇટને વોટર સેલ્યુડ કરવામાં આવ્યું હતું. હવે આ ફ્લાઈટ રાજકોટથી મુસાફરો સાથે પુના પહોંચશે.
ઇન્ડિગો કરશે સંચાલન : indigo દ્વારા રાજકોટથી પુના માટેની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટ પુનાની ડાયરેક્ટ ફ્લાઈટ માટેનું ભાડું 7,800ની આસપાસ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઈથી રાજકોટ ઉદયપુર અને રાજકોટ ઇન્દોર માટેની પણ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થવાની હતી પરંતુ કોઈ કારણોસર આ ફ્લાઈટ શરૂ થઈ નહોતી. એવામાં આજે રાજકોટ પુના માટેની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થતાં રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ : રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા હીરાસર નજીક આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ એરપોર્ટનું 80 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે ટૂંક સમયમાં જ આ એરપોર્ટનું લોકાર્પણ થાય તે પ્રકારનું વહીવટી તંત્રનું આયોજન છે. વડાપ્રધાન મોદીના હસ્તે આ એરપોર્ટનું લોકાર્પણ થાય તેવી શક્યતાઓ છે.
ટૂંક સમયમાં જ નવું એરપોર્ટ ખુલ્લું મુકાશે : લોકસભાની ચૂંટણી પહેલા એરપોર્ટનું લોકાર્પણ કરી દેવામાં આવશે તેવી વાતો પણ સામે આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ થયું છે જેને લઇને રાજકોટ થઈ તેમજ સૌરાષ્ટ્ર ભરના વેપારીઓ એક દેશમાંથી બીજા દેશમાં સહેલાઈથી મુસાફરી કરી શકશે. તેમજ તેમનો સમય અને પૈસા પણ બચશે.