રાજકોટ : રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં શીતળા માતાના મંદિર નજીક રહેતા બે બાળકો ઘર પાસે રમી રહ્યા હતા. એવામાં અચાનક થાંભલા ઉપરથી વીજ વાયર પડવાની ઘટના સામે આવી હતી. જેમાં આ બન્ને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બિહારનો વતની પરિવાર : બંને બાળકો ગંભીર રીતે દાઝી જતા સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાનો ભોગ બનનાર પરિવાર મૂળ બિહારનો વતની છે અને છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટના શાપર વેરાવળમાં કારખાનામાં મજૂરી કરી રહ્યો છે.
બાળકોની સ્થિતિ નાજુક સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શાપર વેરાવળમાં થાંભલા નજીક ઘર પાસે રમી રહેલા 12 વર્ષના સુમિત રાકેશ મિસ્ત્રી અને 13 વર્ષનો અંકિત રામાકાંત પાસવાન નામના બાળકો ઉપર પીજીવીસીએલના થાંભલાનો જીવતો વીજ વાયર પડ્યો હતો. જેમાં બંને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ આ બંને બાળકોની સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું છે.
અમે બંને ભાઈઓ નોકરી ઉપર હતા અને અમારા બાળકો ઘરે હતાં. એવામાં અમે જ્યાં ભાડે રહીએ છીએ તેના મકાન માલિકે અમારા બાળકોને કહ્યું કે આ લોખંડની સીડી છે તે છત ઉપર જઈને ખેંચી લો, જેને લઈને આ બાળકો છત ઉપર સીડી ખેંચવા માટે ચડી ગયા હતા. ત્યારબાદ નજીકમાં જે વીજ થાંભલો હતો તેમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થવાના કારણે વીજ વાયર નીચે પડ્યો હતો...અનિરુદ્ધ પાસવાન(પરિવારજન)
બાળકોની સ્થિતિ વધુ ગંભીર : અનિરુધે પાસવાને વધુમાં જણાવ્યું હતું કે થાંભલામાંથી વીજ વાયર પડવાના કારણે આસપાસના વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. જ્યારે આ વીજ વાયર છત પર રહેલી સીડીને અડી ગયો હતો. જેના કારણે અમારા બાળકોને શોટ લાગવાની ઘટના બની હતી. જેમાં આ બંને બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
શાપર વેરાવળ પોલીસે તપાસ શરુ કરી : ઉલ્લેખનીય છે કે શાપર વેરાવળમાં વીજ વાયર પડવાના કારણે બે બાળકોને ગંભીર રીતે ઇજા થઈ છે. જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ત્યારે આ સમગ્ર મામલે રાજકોટની શાપર વેરાવળ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.