રાજકોટ : જન્માષ્ટમીના તહેવારના બસ હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં જન્માષ્ટમીની સૌરાષ્ટ્રમાં અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે જન્માષ્ટમી દરમિયાન પાંચમથી દસમ સુધી એટલે કે પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર ભરમાં મીની વેકેશનનો માહોલ હોય છે. તમામ ઉદ્યોગધંધા પણ આ સમયે બંધ રહેતા હોય છે અને લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરતા હોય છે. જેને લઈને આ વખતે પણ જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે લોકો બહાર જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ત્યારે બહાર જવા માટે અત્યારથી જ બુકિંગ માટે દોડધામ જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે સૌથી વધારે લોકો ગોવા જવાનું પસંદ કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં ફરવા જતા હતા પરંતુ ત્યાં હાલ વરસાદી વાતાવરણ અને પૂરના કારણે લોકો ઓછું ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. જ્યારે સૌથી વધારે હાલમાં લોકો ગોવા જવાનું પસંદ કરી રહ્યા છે અને ત્યારબાદ હિમાચલ પ્રદેશના બદલે હવે કેરળ પણ સૌરાષ્ટ્રના લોકો માટેનું ફરવા લાયક સ્થળ બની રહ્યું છે. એટલે લોકો અહીંયા પણ જવાનું પસંદ કરી રહ્યા છે.સૌરાષ્ટ્રના લોકો મુખ્યત્વે એન્ડ ટાઈમે ફરવા જવાનું બુકિંગ કરાવતા હોય છે પરંતુ આ વખતે દિવાળીના બુકિંગ પણ અત્યારથી જોવા મળી રહ્યા છે. સાથે સાથે જન્માષ્ટમીમાં પણ લોકો ફરવા જવાનું બુકિંગ હાલ કરી રહ્યા છે....આકાશ વોરા(મહાવીર ટુર એન્ડ ટ્રાવેલ્સ)
70 ટકા લોકો બહાર ફરવા માટે જાય છે : આશિષ વોરાએ વધુમાં જણાવાયુ હતું કે જન્માષ્ટમી દરમિયાન આ વર્ષે અંદાજિત 70 ટકા લોકો બહાર ફરવા જવાનું પ્લાન કરી રહ્યા છે. જે લોકો દૂર ફરવા ન જઈ શકે તો ગુજરાતના અન્ય સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા તેમજ સાસણગીર અને દીવ સહિતના સ્થળોએ પોતાની રીતે જવાનું પસંદ કરી રહ્યા છે.
ભાવ વધારાની અસર નથી : ગત વર્ષની સરખામણીમાં આ વખતે લોકોનું બહાર ફરવા જવાનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. જ્યારે આ વર્ષે ગુજરાત તેમજ દેશના અન્ય સ્થળોએ ફરવા જવા માટેના સ્થળો ઉપર ભાવ વધારાની કાંઈ અસર જોવા મળી નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્થળે ફરવા જવાના ખર્ચમાં ચોક્ક્સ વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્થળોની વાત કરવામાં આવે તો મુખ્યત્વે હાલ સૌરાષ્ટ્રવાસીઓ દુબઈ, મલેશિયા, થાઇલેન્ડ સહિતના દેશોમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે.