રાજકોટ : રાજકોટમાં સરકારી ગોડાઉનમાં પડેલું અનાજ સડી ગયું છે. જ્યારે રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ અનાજ ગરીબોના પેટમાં જાય તે પહેલા જ સડી જવાની ઘટના સામે આવી હતી. એવામાં આ પ્રકારની ઘટનાને પગલે રાજકોટ પુરવઠા વિભાગ ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
કાળાબજારીની શંકાથી જપ્ત થયું હતું : ઉલ્લેખનીય છે કે આ અનાજ કાળાબજારી થવાની શંકાના આધારે રાજકોટના પૂર્વ કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને પુરવઠા વિભાગની નજર હેઠળ જ સરકારી ગોડાઉન ખાતે રાખવામાં આવ્યું હતું. પરંતુ આ અનાજ ગરીબોને વિતરણ કરવામાં આવે તે પહેલા જ બગડી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે મોંઘામૂલું અનાજ નકામું થઇ જતાં લોકોમાં ચકચાર મચી છે.
સરકારી ગોડાઉનમાં અનાજનો જથ્થો સડી ગયો છે તેેમાં 172 કટ્ટા ચોખાના હતા અને 452 કટ્ટા ઘઉં સરકારી ગોડાઉનને આપવામાં આવ્યા હતા. જ્યારે ગયા મહિને આ અનાજનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ચોખાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને વિતરણ કરી શકાય છે. પરંતુ જે ઘઉંનો રિપોર્ટ આવ્યો છે તે નબળો આવ્યો છે જેને હાલ પૂરતું વિતરણ કરવામાં આવશે નહીં...ચિરાગ વાછાણી(સરકારી ગોડાઉન મેનેજર)
ઘઉંનો જથ્થો ખાવાલાયક નથી : આ મામલે સરકારી ગોડાઉન મેનેજર એવા ચિરાગ વાછાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ જે પ્રકારે મીડિયામાં અહેવાલ આવી રહ્યા છે કે સરકારી ગોડાઉનમાં અનાજનો જથ્થો સડી ગયો છે. ત્યારે આ અનાજનો જથ્થો દોઢ વર્ષ પહેલા પુરવઠા વિભાગ દ્વારા અનાજના કાળા બજારની શંકાના આધારે સીઝ કરવામાં આવ્યો હતો.
સડેલું અનાજ હવે ખાવાલાયક નથી : ગોડાઉન મેનેજરે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા જ આ અનાજનો રિપોર્ટ કરવામાં આવે છે. જ્યારે ઘઉંનો રિપોર્ટ નબળો આવ્યો છે. એના કારણે તેનું વિતરણ કરવામાં આવશે નહીં અને સરકાર દ્વારા જ આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ સડેલું અનાજ હવે ખાવાલાયક પણ નથી. ત્યારે હવે અનાજનો જથ્થો બગડી ગયો હોવાથી હવે પુરવઠા વિભાગનું માર્ગદર્શન લેવામાં આવશે અને ત્યારબાદ આ સડી ગયેલા અનાજના જથ્થા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
દોઢ વર્ષથી અનાજનો જથ્થો સીઝ : ઉલ્લેખનીય છે કે રાજકોટના સરકારી ગોડાઉનમાં છેલ્લા દોઢ વર્ષથી ચોખા અને ઘઉંનો જથ્થો પડ્યો હતો જે દરમિયાન ઘઉંનો જથ્થો સડી ગયો છે. તેમજ તે ખાવાલાયક પણ રહ્યો નથી ત્યારે પુરવઠા વિભાગની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કે આ ઘઉંનો જથ્થો સીઝ કર્યા બાદ આ મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. જેના કારણે આ અનાજનો જથ્થો ગોડાઉનમાં જ સડી ગયો હતો.