રાજકોટ : ગણેશ ચતુર્થીના મહોત્સવને લઈને હવે બસ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ મહોત્સવની દેશભરમાં અલગ અલગ રીતે ઉજવણી થતી હોય છે. એવામાં સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં પણ ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં દર વર્ષે પશ્ચિમ બંગાળમાંથી મોટી સંખ્યામાં મૂર્તિકારો આવી જતા હોય છે અને છ મહિના અહીંયા રહીને ગણેશજીની અલગ અલગ મૂર્તિઓ બનાવતા હોય છે. એવામાં આ વખતે પણ બંગાળી મૂર્તિકારો મોટી સંખ્યામાં શહેરના અલગ અલગ વિસ્તારમાં આવી પહોંચ્યા છે અને મૂર્તિ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
અમે જૂન મહિનામા જ રાજકોટ આવી ગયા છીએ અને જૂન મહિનાથી જ અમે ગણેશજીની અલગ અલગ મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ વખતે અમે 10 થી 12 જણાની ટીમ સાથે આવ્યા છીએ. ગત વર્ષે 300 થી 400 જેટલી ગણેશજીની મૂર્તિઓ અલગ અલગ વહેંચાઈ હતી. જ્યારે ત્યારે આ વખતે જોઈએ એવી ગણેશજીની મૂર્તિઓની માંગ નથી. આ સાથે જ રોમટીરીયલના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. જેના કારણે ગણેશજીની મૂર્તિના ભાવમાં પણ વધારો થયો છે... દીપકભાઈ જાની(પશ્ચિમ બંગાળમાંથી આવતાં કારીગર)
સૌથી વધુ 2 ફૂટની ગણેશજીની મૂર્તિની માંગ : દીપકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અમે દર વર્ષે 9 થી 10 ft ની મૂર્તિ બનાવીએ છીએ તેનાથી મોટી મૂર્તિ રાજકોટમાં બનાવવામાં આવતી નથી. આ સાથે જ અમે 2 ફૂટ અને અઢી ફૂટની ગણેશજીની મૂર્તિ સૌથી વધુ પ્રમાણમાં બનાવતા હોઈએ છીએ. જ્યારે 2 અને અઢી ફૂટની મૂર્તિની માંગ પણ સૌથી વધારે જોવા મળતી હોય છે. અમે ગણેશજીની મૂર્તિ બનાવવા માટે લાકડા તેમજ વાસના પાન, ચોખા, ઘાસ સુતરી અને ત્યારબાદ છેલ્લે માટી કામ કરીએ છીએ. તેમજ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. જ્યારે હું છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં મૂર્તિ બનાવવાનું કામ કરું છું અને હું ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જ બનાવું છું.
દોઢ ફૂટની મૂર્તિ 1500થી શરૂ : ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પાણીમાં એક કલાકમાં ઓગળી જાય છે. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પાણીમાં ઓગળતી નથી અને પર્યાવરણને નુકસાન કરે છે. આ વખતે ગણેશ મૂર્તિની વાત કરવામાં આવે તો દોઢ ફૂટની મૂર્તિ 1500થી શરૂ થાય છે અને જેમ જેમ મૂર્તિ મોટી હોય તેમ તેમ તેના ભાવ વધતા જાય છે.
દીવાળી બાદ વતનમાં પરત ફરે છે કારીગરો : પશ્ચિમ બંગાળમાંથી ગુજરાતમાં આવતા મૂર્તિકારો છ મહિના સુધી અહીં જ રહે છે અને દિવાળી બાદ પરત વતન ફરે છે. જ્યારે ગણપતિ મહોત્સવ પછી વિશ્વકર્મા જયંતી આવે છે, ત્યારબાદ નવરાત્રી આવતી હોય છે તેમજ અલગ અલગ માતાજીના તહેવાર આવતા હોય છે. ત્યારે આ પણ મૂર્તિઓ અહીંયા તૈયાર કરવામાં આવે છે.
ગણેશપંડાલનું આયોજન કરતા આયોજકો સાથે બેઠક : ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર દ્વારા રાજકોટમાં ગણેશ મહોત્સવને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ગણેશજીની નવ ફૂટની મૂર્તિની વાત કરવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગણેશ મહોત્સવને લઈને રાજકોટમાં મોટા ગણેશપંડાલનું આયોજન કરતા આયોજકો સાથે બેઠક કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે કોઈપણ વિવાદ સર્જાય નહીં. તેમજ આ પ્રકારનું જાહેરનામું દર વર્ષે બહાર પાડવામાં આવતું હોય છે અને આ જાહેરનામાની નોંધ સૌ કોઈ ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકો પણ લેતા હોય છે.
- Ganeshotsav 2023: ગણેશજીની મૂર્તિના ઓર્ડર આપ્યા બાદ રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું !
- Ganeshotsav 2023: વડોદરામાં ગણેશોત્સવને લઇ પોલીસના જાહેરનામા અંગે ગણેશ મંડળ આગેવાનો અને મૂર્તિકારોમાં નારાજગી
- ગણેશ જયંતિ 2023: આ વર્ષે એક જ દિવસે બંને યોગ, ભક્તો દિલથી પૂજા કરશે તો મળશે લાભ