રાજકોટ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ડિગ્રી મામલે વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકારણમાં જબરો ગરમાવો આવ્યો છે. ત્યારે આ મામલે રાજકોટમાં રાષ્ટ્રીય શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુ ભટ્ટે ETV સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જમ્મુ કાશ્મીરના એલજીના નિવેદનને વખોડી કાઢ્યું છે અને જણાવ્યું હતું કે ગાંધીજી દક્ષિણ આફ્રિકાની કોર્ટમાં કેસ લડ્યા હતા અને ખૂબ જ સારા વકીલ હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં વર્ષ 1921માં ગાંધીજીએ રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી. અહીં ગાંધીએ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. ત્યારે ગાંધીજી ઘણી બધી યાદો રાજકોટ સાથે જોડાયેલી છે.
વર્ષ 1921માં રાષ્ટ્રીય શાળાની કરી સ્થાપના : સમગ્ર ઘટનાને લઈને રાષ્ટ્રીય શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના પિતાજી અહીં રાજકોટમાં આવ્યા અને અહીં સ્થાયી થયા હતા. તેઓ કબા ગાંધીનો ડેલો એટલે કે કરમચંદ બાપામાં તેઓ પિતા સાથે રહ્યા હતા અને અહીં જ તેમની બાળપણ વીત્યું હતુ. જ્યારે રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલમાં ગાંધીજી મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ડિગ્રીના અભ્યાસ માટે વિદેશ જતા રહ્યા હતા. ત્યારબાદ ગાંધીજી ફરી ભારતમાં આવ્યા અને 1921માં રાજકોટમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી. જ્યારે વર્ષ 1931માં ગાંધીજીએ રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ આંદોલન પણ કર્યું હતું.
આ પણ વાંચો : Surat VNSGU News : આ યુનિવર્સિટીની લેબ ટેક્નિશિયનની ડિગ્રી સરકારી ખાતામાં અમાન્ય, 1000 વિદ્યાર્થીઓને અન્યાય
રાજકોટ ઉપવાસ આંદોલનનું અનેરું મહત્વ : જીતુ ભટ્ટે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે ગાંધીજીએ જે ઉપવાસ આંદોલન કર્યું હતું. તેને ઇતિહાસમાં ખૂબ જ યાદ કરવામાં આવે છે. કારણ કે, રાજકોટમાં ગાંધીજીએ ત્રણ દિવસ સુધી ઉપવાસ કર્યા હતા. તેમાં સફળતા ન હોતી મળી અને ગાંધીજીને સરદાર પટેલ અને નહેરુજીએ આ ઉપવાસ પૂર્ણ કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગાંધીજીના રાજકોટમાં ઉપવાસ કરવાનું કારણ એ હતું કે અહીંના રાજાએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે અન્યાય કર્યો હતો. જેના કારણે જ આ ઉપવાસ આંદોલન ગાંધીજીને કરવું પડ્યું હતું, પરંતુ તેમને રાજકોટમાં સફળતા મળી ન હતી.
આ પણ વાંચો : મહાત્મા ગાંધીજીના ચશ્મા સાચવવામાં તંત્ર નિષ્ફળ
મનોજ સિંહાના નિવેદન મામલે આપ્યો જવાબ : જ્યારે જમ્મુ કાશ્મીરના LG મનોજ સિંહાના નિવેદનને લઈને જીતુ ભટ્ટે જણાવ્યું હતું કે, આ આપણી કમનસીબી છે કે દેશની આઝાદી માટે જે લોકોએ પોતાના જીવનનું સમર્પણ કર્યું તે આપણા પૂર્વજોના કારણે જ આજે આપણે અહીંયા બેઠા છીએ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નહેરુ અને ભગતસિંહ સહિતના અનેક લોકોએ ભારતની આઝાદી ખાતે અનેક બલિદાન આપ્યા હતા અને જેલવાસ પણ ભોગવ્યો હતો. ત્યારે આ બધામાં વિશેષ કે સરદાર પટેલ બેરિસ્ટર હતા, નહેરુજી પણ બેરિસ્ટર હતા અને ગાંધીજીએ પણ બેરિસ્ટરની ડિગ્રી ઇંગ્લેન્ડમાં જઈને લીધી હતી. મને એ નથી સમજાતું કે દેશના આટલા મોટા પદ પર બેસીને લોકો ગાંધીજી વિશે આવી વાતો કરે તો કા તો તેમને ઇતિહાસ નથી અથવા તેઓ ઇતિહાસ જાણે છે કે ખબર નથી કે કેમ આપના પૂર્વજો વિશે આવી વાતો કરે છે.