રાજકોટ : રાજકોટ કોંગ્રેસની અનોખી ઓફિસ ચાલતી જોવા મળી રહી છે. થોડા સમય પહેલાં રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષનું પદ નાબૂદ કરવામાં આવ્યું છે. એવામાં કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ રાજકોટ મહાનગરપાલિકાના ગાર્ડનમાં જ પોતાનું કાર્યાલય ઊભું કર્યું છે. અહીં કામ કરી રહેલી રાજકોટ કોંગ્રેસ બગીચા ઓફિસને છેલ્લા એક અઠવાડિયામાં 50થી વધુ સ્થાનિક ફરિયાદો મળી છે.
મનપાના વિભાગો સુધી પહોંચાડાય છે ફરિયાદો : રાજકોટ કોંગ્રેસ બગીચા ઓફિસમાં લોકોના પ્રશ્નો અંગેની ફરિયાદો મળી છેે તેની રજૂઆત પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા મનપા કમિશનરને કરવામાં આવી રહી છે. રાજકોટ કોંગ્રેસ પાસે હાલ મહાનગરપાલિકામાં સત્તાવાર કાર્યાલય નથી પરંતુ તેમના દ્વારા લોકોના પ્રશ્નોને સાંભળવા માટે ગાર્ડનમાં જ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે. જેમાં દૈનિક 7 થી 8 જેટલી ફરિયાદો આવે છે. મુખ્યત્વે આ ફરિયાદો કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા સાંભળવામાં આવે છે અને આ મામલે કમિશનર તેમજ મહાનગરપાલિકાના જે તે વિભાગમાં રજૂઆત પણ કરવામાં આવે છે.
50થી વધુ ફરિયાદો આવી : જ્યારે આ અંગે પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયા પહેલા અમે મનપા દ્વારા સોંપવામાં આવેલ કોંગ્રેસનું કાર્યલય અને કાર જમા કરાવી દીધી છે. ત્યારબાદથી અમે રાજકોટ કોર્પોરેશનના ગાર્ડનમાં જ કાર્યાલય ઊભું કર્યું છે. જ્યારે અહીંયા દરરોજ ફરિયાદોનો ધોધ વહે છે અને હું આ મામલે મનપા કમિશનરને પણ રજૂઆત કરું છું. તેમજ દૈનિક સાતથી આઠ જેટલી ફરિયાદો આવે છે. જેમાં છેલ્લા એક અઠવાડિયાથી 50 થી 60 જેટલી ફરિયાદો આવી છે. જે અંગેની મે રજૂઆત મનપા કમિશનરને કરી છે પરંતુ હજુ સુધી મને આ ફરિયાદોનો જવાબ મળ્યો નથી.
કઇ કઇ ફરિયાદો મળી : રાજકોટ કોંગ્રેસ નેતા ભાનુબેન સોરાણીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યત્વે ફરિયાદોની વાત કરવામાં આવે તો જે તે વિસ્તારમાં પીવાના ગંદા પાણીના પ્રશ્નો સામે આવી રહ્યા છે. આ સાથે જ સાફસફાઈના પ્રશ્નો સામે આવી રહ્યા છે. હાલ ઉનાળાની ઋતુ ચાલુ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા પાણીના ટેન્કર મોકલવામાં આવી રહ્યા છે તે પણ વિસ્તારમાં સમયસર પહોંચતા નથી. તેમજ સ્માર્ટ સીટી એવા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો પણ થઈ રહ્યા છે જે અંગે પણ ફરિયાદો કમિશનરને કરી છે
કમિશનર જવાબ આપતાં નથી : રાજકોટ કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરને પહોંચાડવામાં આવેલી ફરિયાદોમાં કમિશનર જવાબ આપી રહ્યાં નથી તેવો આક્ષેપ કરાયો હતો. ભાનુબેને જણાવ્યું હતું કે હજુ સુધી આ એક પણ ફરિયાદનો જવાબ આવ્યો નથી. અમે દરરોજ લોકોના પ્રશ્નો સાંભળીએ છીએ અને આ મામલે કમિશનરને રજૂઆત પણ કરીએ છીએ પરંતુ અમારા પ્રશ્નોનો હજુ પણ નિરાકરણ આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકામાં હવે વિપક્ષનું પદ નાબૂદ થયું છે ત્યારે પૂર્વ વિપક્ષી નેતા એવા ભાનુબેન સોરાણી દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી મહાનગરપાલિકાના ગાર્ડનમાં જ કોંગ્રેસ કાર્યાલય ઊભું કર્યું છે જ્યાં દરરોજ ફરિયાદોનો ધોધ વહે છે.