રાજકોટ : સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટની હોસ્પિટલ મનાય છે. એવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવારનવાર વિવાદો સામે આવતા હોય છે. જ્યારે અહીંયા સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓ હોવી જોઇએ તેનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને આજે રાજકોટ કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના અગ્રણીઓએ અલગ અલગ સરકારના પ્રધાનોના વેશ ધારણ કર્યા હતા અને નાટ્યાત્મક રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
પ્રધાનોના વેશ ધારણ કર્યા : રોડ રસ્તા મામલે વારંવાર રજૂઆત કરી હોવાનું કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું. જ્યારે આ અનોખા વિરોધ મામલે કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન અશોકસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે પ્રતીકાત્મક વિરોધને લઈને હું સરકારનું પાત્ર ભજવી રહ્યો છું. તેમણે વધુમાં ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વર્તમાન સરકાર જે નાટક રુપી સરકાર છે તેનું હું પાત્ર ભજવી રહ્યો છું.
આ ભારતીય જનતા પાર્ટીની 40 ટકા કમિશનની સરકાર છે. જેનું આરોગ્ય તંત્ર સાવ કથળી ગયું છે. જેના કારણે રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ચાર વર્ષથી કથળી ગયેલા રોડ રસ્તા મામલે અમે અનેક વખત રજૂઆતો કરી છે. છતાં પણ આ મામલે હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. જ્યારે આ મામલાની ફાઈલ હજુ પણ સરકારમાં અટકી છે. ત્યારે અમે એક વિરોધ પક્ષ તરીકે તાત્કાલિક માગણી કરીએ છીએ કે આ રોડ રસ્તાની મરામત કરવામાં આવે...અશોકસિંહ વાઘેલા( ચેરમેન, લીગલ સેલ, રાજકોટ કોંગ્રેસ )
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી : હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોડ રસ્તાની હાલત ખૂબ જ કથળેલી છે. એવામાં અહીંયા એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં સ્ટ્રેચર ઉપર દર્દીઓને લઈ જતા સમયે કેટલીક વખત સ્ટ્રેચર ઉપરથી દર્દીઓ રસ્તા ઉપર પડી જવાની ઘટનાઓ પણ સામે આવે છે. જેને લઇને રાજકોટ કોંગ્રેસ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ હજુ સુધી આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નહોતી. જેના કારણે આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કથળેેલા રોડ રસ્તા મામલે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.