રાજકોટ : આગામી બુધવારના રોજ દેશભરમાં ભાઈબીજના તહેવારની ઉજવણી થનાર છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહેનો માટે ભાઈબીજના દિવસે નિશુલ્ક બસો દોડાવવામાં આવશે. જ્યારે બહેનો રાજકોટ મનપા સંચાલિત સિટી બસોમાં ગમે તે સ્થળે ગમે એટલી વાર મુસાફરી કરી શકશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અને ભાઈબીજના દિવસે મહિલાઓ અને બહેનો માટે આ પ્રકારની સેવાનો લાભ આપવામાં આવે છે.
આ તારીખેે કરો મફત મુસાફરી : રાજકોટ મનપાની ભાઈબીજની અનોખી ભેટ રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી.(SPV)દ્વારા કરવામાં આવે છે. ત્યારે 15-11-2023 બુધવારના રોજ " ભાઇબીજ " નિમિત્તે આ બંને બસ સેવાનો વધુને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે " ભાઇબીજ " નિમિત્તે " ફ્રી બસ સેવા " પુરી પાડવા નક્કી કરવામાં આવ્યું છે.
ફક્ત બહેનો માટે ફ્રી : જેમાં " ભાઇબીજ "તા.15-11-2023ને બુધવારના રોજ હોય જેથી એ દિવસ દરમ્યાન કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત મહિલા-સ્ત્રીમુસાફરો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જ્યારે “ ભાઈબીજ ”ના દિવસે મહિલાઓ-સ્ત્રીઓ સિવાય ભાઇઓ/પુરૂષ મુસાફરોએ તેઓની મુસાફરી અન્વયે રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે.
બહેનો સિટી બસ સેવાનો લાભ લે : મોટી સંખ્યામાં લાભ લેવાની મનપાની અપીલ રાજકોટ મનપા સંચાલિત સીટી બસમાં ભાઈ બીજના દિવસે મહિલાઓ અને બહેનો નિશુલ્ક મુસાફરી કરી શકશે. ત્યારે આ પ્રકારની નિર્ણયને લઈને રાજકોટ મનપાના પદાધિકારીઓ દ્વારા રાજકોટવાસીઓને અપીલ કરી છે કે આ દિવસે મોટી સંખ્યામાં બહેનો અને મહિલાઓ સિટી બસ સેવાનો લાભ લે.
તહેવારને ધ્યાનમાં રાખી નિર્ણય : ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપા દ્વારા વારે તહેવારે મહિલાઓ માટે સીટી બસોમાં નિશુલ્ક મુસાફરી માટેનો નિર્ણય જાહેર કરવામાં આવતો હોય છે. જેને લઇને આગામી દિવસોમાં ભાઈબીજનો તહેવાર છે ત્યારે રાજકોટ મનપા દ્વારા ભાઈબીજના તહેવારને ધ્યાનમાં રાખીને મહિલાઓ અને બહેનો માટે રાજકોટ મનપા સંચાલિત સિટી બસોમાં નિશુલ્ક મુસાફરીનો નિર્ણય જાહેર કરાયો છે.