રાજકોટ : આ ઘટનાની જાણ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને થતા તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં આ દવાનો જથ્થો ખાનગી કંપનીનો હોવાનું જણાઈ આવ્યું છે. ત્યારે હવે આ દવાના જથ્થા અંગે રાજકોટ મનપાની આરોગ્ય ટીમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવશે.
ઝીણવટપૂર્વક તપાસ : જોકે લાલપરી નદીમાં કોણ દવાઓનો જથ્થો ફેંકી ગયું અને તેને સળગાવવામાં આવ્યો તે પણ તપાસનો વિષય છે. હાલ તો આ મામલે આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે આવીને તમામ બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. ત્યારે આગામી દિવસોમાં આ અંગે નવા ખુલાસા થાય તો પણ નવાઈ નહીં.
મોરબી રોડ ઉપર આવેલા લાલપરી આરોગ્ય કેન્દ્ર નજીકથી મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો અને બાયો વેસ્ટ સળગાવેલી હાલતમાં મળી આવ્યો છે. જ્યારે આ પ્રકારની ઘટનાની જાણ મીડિયાના અહેવાલ બાદ અમને થતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલે તપાસ શરૂ કરી હતી. અમે અહીંયા તપાસ કરતાં સામે આવ્યું હતું કે અહી યુરીન પ્રેગ્નન્સી ટેસ્ટની ઘણી બધી કીટો સળગાવવામાં આવી છે. ત્યારે અમે મોરબી આરોગ્ય કેન્દ્રમાં પણ આ અંગેની તપાસ કરી હ.તી પરંતુ આ કિટ મોરબી આરોગ્ય કેન્દ્રની નથી. જ્યારે અહીંથી જે પણ દવાઓનો જથ્થો મળ્યો છે તેમાં બેચ નંબર લખેલો હોય છે. તેના આધારે અમે હવે આ દવાનો જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ કરીશું. અહીંથી અમને ખાનગી કંપનીઓની દવાઓ પણ મળી આવી છે. જેની પણ તપાસ કરવામાં આવશે...ડો. જયેશ વંકાણી(રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી)
રાજકોટ મનપાનો નથી : દવાઓનો જથ્થો કોણ નાખી ગયું તે તપાસનો વિષય આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે લાલપરી નદીમાંથી જે દવાઓનો જથ્થો મળી આવ્યો છે તે ખરેખર રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રનો નથી તે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. પરંતુ અમે આ મામલે તપાસ કરીશું. તેમજ અહીંયાથી જે ખાનગી કંપનીઓની દવા મળી છે તેની પણ તપાસ કરવામાં આવશે.
નદીમાં બાયોવેસ્ટ પણ ફેંકાય છે : ઉલ્લેખનીય છે કે રાજકોટના મોરબી રોડ પર આવેલા લાલપરી આરોગ્ય કેન્દ્રની નજીક જ લાલપરી નદી આવેલી છે. જ્યાં મોટા પ્રમાણમાં મેડિકલ બાયો વેસ્ટ અને દવાઓનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે હવે આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે અને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે આગામી દિવસોમાં આ દવાનો જથ્થો કયા સરકારી વિભાગને ફાળવવામાં આવ્યો હતો તે પણ સામે આવશે.
- Rajkot Crime : લાલપરી નદી કાંઠેથી મહિલાના ટુકડે ટુકડા કરાયેલો મૃતદેહ મળ્યો
- બાયડમાં બાયો મેડીકલ વેસ્ટના ઢગલાથી સંક્રમણનો ભય
- રાજકોટ: જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટ નાખતી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને રૂપિયા 10 હજારનો દંડ