રાજકોટ : લોધિકા તાલુકામાં આવેલા ખીરસરા ગામના સ્મશાનગૃહનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન બનેલા આ બનાવને પગલે નાના એવા ગામમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે.
સ્મશાનગૃહનો સ્લેબ ધરાશાયી : આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ લોધિકા તાલુકામાં આવેલ ખીરસરા ગામના સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપવાનાં જુના ગૃહનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનાને પગલે ત્રણ જેટલા લોકો આ સ્લેબ નીચે દબાઈ ગયા હતા. જેમાં ગંભીર ઇજાને પગલે ખીરસરા ગામે રહેતા 45 વર્ષીય દિનેશભાઇ મનજીભાઈ વાગડીયાનું ઘટનાસ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જ્યારે હસમુખભાઈ બાલાભાઈ વાગડીયા તેમજ રવિ ધીરૂભાઇ મકવાણાને પણ ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
એક વ્યક્તિનું મોત : આ અંગે ખીરસરા ગામના આગેવાન અને મહિલા સરપંચના પતિ મુકેશભાઈનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, આ સ્મશાનમાં લોકો સ્મશાનમાં સેવાકાર્ય કરતા હોય છે. જ્યારે આ ઘટના બની ત્યારે સફાઈ તેમજ લાકડા ગોઠવવા સહિતની જુદી જુદી સેવાકીય કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં અચાનક સ્લેબ ધરાશાયી થતાં 45 વર્ષીય દિનેશભાઈના માથે પડ્યું હતું. જેને લઈને તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિ હસમુખભાઈ અને રવિભાઈ પર પણ સ્લેબનો કાટમાળ પડતા બંનેને ઈજા થઇ છે.
બે લોકો ઈજાગ્રસ્ત : અકસ્માતે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. આ અંગે પોલીસ તેમજ 108 ને જાણ કરવામાં આવતા તમામ ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ ઘટના બાદ પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જ્યારે 108 દ્વારા ઈજાગ્રસ્ત થયેલા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં લોધિકા તાલુકાના ખીરસરા ગામના સ્મશાન ગૃહમાં આવેલ અગ્નિદાહ આપવાના જુના ગૃહમાં આ દુર્ઘટના બની હતી. જેને લઈ ખીરસરા અને આસપાસના ગ્રામજનોમાં ભારે દુઃખની લાલીમા ફરી વળી છે. ત્યારે હાલ સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.