રાજકોટ : રંગીલુ રાજકોટ ધુળેટીના પર્વ નિમિત્તે પણ રક્તરંજિત થયું છે. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી યુવાને પોતાના પરિવારના સભ્યો ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ત્રણ માસની નવજાત બાળકીનું મૃત્યુ થયું છે. જ્યારે પત્ની અને પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. હાલ આ બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસે આ નેપાળી યુવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વહેલી સવારે બન્યો સમગ્ર બનાવ : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ઇન્દિરા સર્કલ નજીકના અજંતા એપાર્ટમેન્ટમાં પ્રેમસંગ નેપાળી નામના યુવકે પોતાની પત્ની, પુત્ર તેમજ પુત્રી પર છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે આ ઘટનામાં પુત્રીનું મૃત્યુ નીપજ્યું છે. ધુળેટીનો પર્વ હોય એવામાં રાજકોટમાં વહેલી સવારે હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્રમાં પણ જોવા મળી હતી. જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી એવા નેપાળી યુવાની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : Surat Crime : પતિએ 8થી 10 જેટલાં ચપ્પુના ઘા મારતા પત્નીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાય
માતાજીએ કહ્યું બધાને મારી નાખ : આ ઘટના અંગે પ્રેમસંગ નેપાળીની પત્ની બસંતીએ જણાવ્યું હતું કે, મારા પતિને માતાજી આવે છે. ત્યારે તેને માતાજી આવ્યા હતા અને કહ્યું હતું કે બધાને મારી નાખ, જેના કારણે તેને આ પ્રકારનું કૃત્ય કર્યું છે. મારા પતિની માનસિક સ્થિતિ પણ સારી નથી અને તે કામ પર પણ નથી જઈ રહ્યો. આ ઘટના ગઈકાલે રાતે બની હતી અને અમારી પર તેને છરી વડે હુમલો કર્યો હતો. હાલમાં પોલીસે તેની ધરપકડ પણ કરી છે.
આ પણ વાંચો : Wild Elephant Attacks: કોઇમ્બતુરમાં જંગલી હાથીએ કાર પર હુમલો કર્યો
બે દિવસ પહેલા પણ થઈ હતી હત્યા : રાજકોટમાં બે દિવસ પહેલા પણ એક યુવાનની માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમાં હત્યા થઈ હતી. જ્યારે આ યુવાની હત્યા તેની પત્નીના પૂર્વ પ્રેમી સહિતના મિત્રોએ કરી હતી. હજુ તો આ ઘટનાના કેસની તપાસ શરૂ છે એવામાં રાજકોટમાં ધૂળેટીના પર્વ નિમિત્તે પણ હત્યાનો બનાવ સામે આવતા ચકચારમાંથી જવા પામી છે. જ્યારે શહેરમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. એવામાં ક્રાઇમની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે.