રાજકોટઃ આજે રાજકોટ મહા નગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળી હતી. આ બેઠકના આયોજનમાં સ્ટેન્ડિંગના સભ્યો અને ભાજપના 68 કોર્પોટર્સ સાથે સંકલન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કુલ 43 દરખાસ્તો મુકાઈ હતી. જેમાંથી 37 દરખાસ્તોને સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવી હતી. કુલ 25 કરોડથી વધુના વિકાસકાર્યોને મંજૂરી અપાઈ છે.
પેન્ડિંગ દરખાસ્તઃ મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં 37 દરખાસ્તોને સર્વ સંમતિથી મંજૂરી અપાઈ હતી. જ્યારે પેન્ડિંગ દરખાસ્તોને આવનારી સ્ટેન્ડિંગ કમિટિમાં દરેક પાર્ટીનું સંકલન સાધીને મંજૂરીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રખડતા ઢોરની યોજનામાં રકમ વધારવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જેમાં માલધારી સમાજને અન્યાય ન થાય અને આ સમાજના આગેવાનોને વિશ્વાસમાં લઈને નિર્ણય કરવાનો હોવાથી આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જેનો આગામી બેઠકમાં સમાવેશ કરવામાં આવશે.
મહિનામાં 3 વખત બેઠકઃ ઉલ્લેખનીય છે કે આજની બેઠકમાં હવે દર 10 દિવસે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જેથી મહિનામાં રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટિની 3 બેઠકો મળશે. જેથી જનતાની સમસ્યાઓનું સત્વરે નિવારણ લાવી શકાય.
આ વખતની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 43 જેટલી દરખાસ્તો રજૂ થઈ હતી. જેમાંથી કેટલીક દરખાસ્તોને અમે પેન્ડિંગ રાખી છે. જ્યારે કેટલીક દરખાસ્તોનું રિટેન્ડરિંગ કરવામાં આવશે. શહેરના મોટા મૌવા વિસ્તારમાં લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ દરખાસ્તમાં 10 ટકા જમીન કપાત થાય છે. આ મામલે અમને પૂરતા પ્રમાણમાં રિપોર્ટ મળ્યા નથી. જેના કારણે આ વખતની સ્ટેન્ડિંગ કમિટીમાં તેને મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે હવે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તેને મંજૂર કરવામાં આવશે. આ સાથે જ રખડતા ઢોર વાળી દરખાસ્તને હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં માલધારી સમાજ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવશે...જયમીન ઠાકર(ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટિ, રાજકોટ)