- રાજકોટ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો
- મહાનગરપાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પર ભાર
- માર્ચ મહિનામાં 100 ઇલેક્ટ્રિક બસ દોડતી કરવાનું આયોજન
રાજકોટઃ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પર ભાર મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનામાં 100 ઇલેક્ટ્રિક બસ દોડતી કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં મેટ્રોસિટી અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બીઆરટીએસ બસ સેવા માટે જે કંપની દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. તે જ કંપનીને મેટ્રો ટ્રેનની સર્વે માટેની કામગીરી સોંપવામાં આવી છે, ત્યારે રાજકોટ શહેરમાં મેટ્રો ટેન, નિયો મેટ્રો ટ્રેન, કેબલ કાર, ટ્રામ એલિવેટેડ બસ ચલાવી શકાય તેમ છે કે કેમ? આ સાથે કયાં પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે તેમ છે કે કેમ? તો આગામી વર્ષોમાં મુસાફરોની કયાં પ્રકારની જરૂરિયાત હશે અને કયાં પ્રકારે તેઓ સેવાનો ઉપયોગ લઇ શકશે તે બાબતનો રિપોર્ટ બનાવવો જરૂરી બનશે.
માધાપર ચોકડીથી લઇ ગોંડલ ચોકડી સુધી 10.7 કિમીના રૂટ પર ચાલશે બસ
મહાનગરપાલિકા દ્વારા નિષ્ણાંત સલાહકારોને રોકીને સર્વે કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના ભાગરૂપે સિટી બસ દોડાવવામાં આવી રહી છે તો માધાપર ચોકડીથી લઇ ગોંડલ ચોકડી સુધી 10.7 કિમીના રૂટ પર BRTS બસ દોડાવવામાં આવી રહી છે.