રાજકોટઃ અત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. આ બેવડા હવામાનને પરિણામે લોકોમાં રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં રાજકોટ શહેરમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મલેરિયા મુખ્ય છે. આ પૈકી શરદી, ઉધરસ, તાવ અને ઝાડાના કુલ 1600 કેસ નોંધાયા છે. રાજકોટ મનપા તરફથી ડે એન્ડ નાઈટ ફોગિંગ તેમજ અન્ય તકેદારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
1 અઠવાડિયામાં 1600 કેસઃ રાજકોટવાસીઓમાં અત્યારે વિવિધ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરના આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની ભીડ ઉમટી રહી છે. માત્ર શરદી, ઉધરસ, તાવ, ઝાડાના જ 1600થી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 5 કેસ અને મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. આ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રના આંકડા છે. ખાનગી દવાખાના, નર્સિંગ હોમ અને હોસ્પિટલ્સના આંકડા તો કેટલા હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે. આ આંકડાને પરિણામે રાજકોટ આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. તંત્ર દ્વારા મલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ રોગને નાથવા દર્દીના ઘરથી 50 મીટરની ત્રિજ્યામાં ડે એન્ડ નાઈટ ફોગિંગ તેમજ અન્ય તકેદારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
નાગરિકોને સલાહઃ શિયાળાની ઋતુમાં નાગરિકોએ કેટલીક સાવચેતી રાખવા માટે આરોગ્ય વિભાગે જણાવ્યું છે. જેમાં વહેલી સવારે કે મોડી રાત્રે વધુ ઠંડીમાં બહાર ન નીકળવું, બને તેટલો વધુ કેલરીયુક્ત ખોરાક ખાવો, ઉકાળેલું પાણી પીવું જોઈએ તેમજ માસ્કનો પણ ઉપયોગ કરવો જોઈએ. જેથી ચેપથી ફેલાતા રોગોને અટકાવી શકાય.
ગત સપ્તાહે રાજકોટના આરોગ્ય કેન્દ્રોમાં શરદી ઉધરસના 1279 કેસ, સામાન્ય તાવના 94 કેસ, ઝાડા ઉલટીના 248 કેસ નોંધાયા છે. શહેરમાં વિવિધ રોગોને ડામવા ડે એન્ડ નાઈટ ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. નાગરિકોએ પણ વહેલી સવારે કે મોડી રાત્રે વધુ ઠંડીમાં બહાર ન નીકળવું, બને તેટલો વધુ કેલરીયુક્ત ખોરાક ખાવો, ઉકાળેલું પાણી પીવું જોઈએ તેમજ માસ્કનો પણ ઉપયોગની તકેદારી રાખવી જોઈએ...ડૉ. જયેશ વાંકાણી(આરોગ્ય અધિકારી, રાજકોટ મહા નગર પાલિકા)