રાજકોટ : ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લાના જીવાદોરી સમાન અને સિંચાઈ માટેના આવેલ ડેમોની જળ સપાટીમાં વધારો થયો હતો. ત્યારબાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણા ડેમ ઓવરફ્લો થઈ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ ડેમના દરવાજા ખોલાતા ડેમના હેઠવાસમાં આવતી નદીઓની અંદર ઘોડાપૂર આવ્યું છે. ઉપલેટા મોજ નદીમાં આવેલ ભાંખ, કલારીયા સહિતના ગામોને જોડતા રસ્તામાં ઘોડાપુરના કારણે કોઝવે ધોવાઈ ચૂક્યો છે. આ ઉપરાંત જામકંડોરણાથી જેતપુરને જોડતો ફોફળ ડેમ નજીકનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થતા આવન-જાવન માટેનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે. જેથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
મોજ નદીએ મોજ બગાડી : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ છે. ત્યારે ધોધમાર વરસાદ બાદ ડેમોના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. જેના કારણે નદીઓમાં ઘોડાપૂર આવતા બેઠી ડાભીઓ પર વરસાદી પાણી અને નદીઓના પાણીનું ઘોડાપૂર આવતું હોય છે. જેમાં રાજકોટના ઉપલેટા મોજ નદી પર આવેલ કોઝવે ધોવાઈ ચૂક્યો છે. આ ધોવાઈ ગયેલા કોઝવે પર તંત્ર મેટલ નાખી સંતોષ માની લે છે. પરંતુ ફરી વખત જ્યારે નદીમાં પૂર આવે છે તો એક કે બે દિવસની અંદર જ આ મેટલ ધોવાઈ જતુ હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે.
ઉપલેટાની મોજ નદીના આ પુલમાં આવેલ કોઝવે સતત આવી રીતે ત્રીજી સિઝનથી ધોવાઈ રહ્યો છે. તંત્ર કોઈ ધ્યાને લેતું નથી. જેના કારણે અહિયાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. અહિયાથી ખેડૂતોને પોતાના કામથી, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તેમજ વાહન ચાલકોને જવું હોય તો બહુ સમસ્યાનો સામનો કરવો પડે છે. અહિયાં આ રીતે દર વખતે મેટલ નાખીને કામ ચલાવી લેવામાં આવે છે. જરુરી કોઈ કામ નથી કરવામાં આવતું જેથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.-- કમલેશભાઈ (સ્થાનિક રહેવાસી, મોજીરા ગામ)
જાહેર જીવનને અસર : આ સાથે બીજી તરફ જામકંડોરણાથી જેતપુરને જોડતો ફોફળ ડેમ નજીક આવેલો રસ્તો પણ પાણીના પ્રવાહની અંદર ગરકાવ થઈ ગયો છે. આ વિસ્તારને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થવાના કારણે રાહદારીઓ વાહનચાલકો મુશ્કેલીમાં પણ વધારો થયો હોવાનું સામે આવ્યું છે.