રાજકોટમાં: ગઈકાલે યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવતા સોમનાથ સોસાયટીમાં એક સ્કોર્પિયો ચાલકે ત્રણ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. એક શાકભાજીના ફેરીયાવાળાને ઇજા પહોંચાડી હતી. ત્યારે આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સ્કોર્પિયો ચાલક સગીર હતો. તેમજ તેને પોતાનો બર્થ ડે ઉજવવા માટે સ્કોર્પિયો કાર ભાડે લીધી હતી. જે દરમિયાન શહેરના સોમનાથ સોસાયટીમાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે પોલીસે આ કાર ભાડે આપનાર વિરુદ્ધ પણ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બર્થડેની ઉજવણી માટે કાર ભાડે લીધી: સમગ્ર મામલે તપાસ અધિકારી એવા એસીપી ભાર્ગવ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, કે ગઈકાલે શહેરના યુનિવર્સિટી પોલીસ મથકના સોમનાથ સોસાયટીમાં એક સ્કોર્પિયો કાર મારફતે અકસ્માત સર્જાયો હતો. જે મામલે યુનિવર્સિટી પોલીસમાં અલગ અલગ કલમ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કારચાલક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ આરોપી છે. ત્યારે ગઈકાલે જ આ ગુનામાં બાળ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ગુનાની ગંભીરતા મામલે એફએસએલની ટીમની મદદ લેવામાં આવી જ રહી છે અને ટેકનિકલ એનાલિસિસ આધારે હાલ તપાસ આગળ વધી રહી છે. આ પ્રકારના બનાવ બન્યો તે વિસ્તારના આસપાસના સીસીટીવી કેમેરા પણ પોલીસ દ્વારા હાલ તપાસવામાં આવી રહ્યા છે.
ગુન્હો નોંધાયો: એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્કોર્પિયો કાર અકસ્માતમાં શાકભાજી વેચનાર ફેરીયાને ઇજા પહોંચી હતી. જેને ગઈકાલે જ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ હાલમાં રજા આપવામાં આવી છે. તેમજ આ બાબતે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે આ સ્કોર્પિયો ચાલકે એવા બાળ આરોપીનો બર્થ ડે હતો. જ્યારે તેને બર્થ ડેમાં બહાર ફરવા જવું હતું. એન્જોય કરવા માટે આ સ્કોર્પિયો કાર ભાડે લીધી હતી. ત્યારે આ બાળ આરોપીને ગાડી ભાડે આપનાર રાજુભાઈ હુંબલ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાળ આરોપી પુખ્તવ્યનો પણ નથી અને તેની પાસે લાયસન્સ પણ નથી. એવામાં તેને ગાડી ભાડે આપવામાં આવી હતી. ત્યારે આ ગુનામાં જેટલા પણ લોકો સામેલ હશે. તેમની વિરુદ્ધ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.