રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ગત તારીખ 5 જૂનના રોજ બપોરના સમયે શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ઇન્દિરા સર્કલ નજીક કોહીનુર એપાર્ટમેન્ટના ત્રીજા માટે એક લૂંટની ઘટના સામે આવી હતી. જ્યારે આ લૂંટમાં ત્રણ લાખ રોકડા અને 300 ગ્રામ જેટલા સોનાં ચાંદીના ઘરેણાની ઉઠાંતરી કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ દ્વારા ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં આ ફ્લેટમાં કામ કરતી નેપાળી મહિલા દ્વારા જ ઘરમાં લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ થોડા દિવસો પહેલા જ રાજકોટ ખાતે આવ્યા હતા. તેમજ તેમને પૈસાની જરૂર હોય જેને કારણે તેમને આ પ્રકારનો લૂંટનો પ્લાન કર્યો હતો.
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર સર્કલ નજીક આવેલા કોહિનૂર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે બપોરના સમયે લૂંટ ચલાવવામાં આવી હતી. જેમાં ફરિયાદી અને તેમના પુત્રને બાંધીને આ લૂંટ કરવામાં આવી હતી. જ્યારે આ ફ્લેટમાં ઘરકામ કરતી સુશીલા નામની મહિલા અને તેના સાથી સાથે મળીને આ લૂંટને અંજામ આપ્યો હતો અને તેઓ રાજકોટ છોડીને નાસી છૂટ્યા હતા. જ્યારે આ લૂંટની ઘટનામાં અંદાજિત 3 લાખ રૂપિયા રોકડા અને 300 ગ્રામ જેટલા સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગુનાની તપાસ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, યુનિવર્સિટી પોલીસ, એલસીબી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ લૂંટની ઘટનાના 36 કલાક બાદ તમામ આરોપીઓને પકડી પાડીને લૂંટનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. - રાજુ ભાર્ગવ (પોલીસ કમિશનર)
એક મહિલા સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા : પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, આ લૂંટના ગુનામાં ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જે ત્રણેય આરોપીઓ નેપાળી છે. જેમાં ફ્લેટમાં કામ કરતી સુશીલા શાહી તેમજ તેનો સાથી પવન શાહી અને પવનનો મિત્ર નેત્ર શાહીનો સમાવેશ થાય છે. જ્યારે આ ત્રણે શખ્સો આ લૂંટ ચલાવીને જૂનાગઢના ભવનાથ ખાતે એક ધર્મશાળામાં રોકાયા હતા. જેમને રાજકોટ પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સુશીલા અને પવન ચાર મહિના અગાઉ ભારત આવ્યા હતા. જ્યારે આ બંનેનો સંપર્ક Facebookના મારફતે એક વર્ષ અગાઉ થયું હતું, ત્યારબાદ બંને પ્રેમ થતા તેઓ કામ માટે ભારતમાં આવ્યા હતા. ભારતમાં બંને મથુરામાં રોકાયા હતા, ત્યારબાદ અમદાવાદ થઈને રાજકોટ ખાતે આવ્યા હતા. રાજકોટમાં અઢી માસથી આ લોકો ભાડે રહેતા હતા. જ્યારે સુશીલા છેલ્લા બે માસથી જ્યાં લૂંટ ચલાવી છે તે ફ્લેટમાં કામ કરતી હતી.
પોલીસ કમિશનર દ્વારા 1 લાખનું ઈનામ જાહેર : પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે, પવનનો મિત્ર નેત્ર બેંગ્લોરથી ચાર પાંચ દિવસ પહેલા જ રાજકોટ ખાતે આવ્યો હતો. જ્યારે નેત્રને માનસિક રોગની દવા ચાલુ હતી. જે ઘેનની દવા લેતો હતો. ત્યારે લૂંટ ચલાવતા પહેલા આ ત્રણેય લોકોએ લૂંટનું કાવતરું કર્યું હતું. જેમાં નેત્રએ ઘેનની દવા આપી હતી જે સુશીલાએ ફ્લેટ માલિક અને તેના પુત્રના દૂધમાં ભેળવી હતી અને ફરિયાદી અને તેના પુત્રને પીવડાવી હતી. ત્યારબાદ આ લૂંટ ચલાવી હતી. જોકે પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલ નાખ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા લૂંટનો ભેદ ઉકેલવામાં આવતા પોલીસ કમિશનર દ્વારા પણ આ કર્મચારીઓ માટે એક લાખનું ઇનામ જાહેર કર્યું છે.