રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટર એસોસિએશનના હોદ્દેદારોની આજે બેઠક મળી હતી. જેમાં બોર્ડના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનું મતે ખંઢેરી સ્ટેડિયમને નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ નામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને લઇને હવેથી રાજકોટનું ખંઢેરી સ્ટેડિયમ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાશે.
ખંઢેરી સ્ટેડિયમ નામ કોણે આપ્યું: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ખંઢેરી ગામ નજીક આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. જ્યાં હાલ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. જ્યારથી આ સ્ટેડિયમનું નિર્માણ થયું ત્યારથી તે ખંઢેરી સ્ટેડિયમ તરીકે જ ઓળખાય છે, કારણ કે અહીં નજીકમાં ખંઢેરી ગામ હોવાના કારણે આ સ્ટેડિયમને ખંઢેરી સ્ટેડિયમ તરીકે ઓળખવામાં આવતું હતું.
કેમ બદલાયું નામ: સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટને અપાવવાનો ફાળો નિરંજન શાહને જાય છે. વર્ષ 2006માં ખંડેરી ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2008માં આ ક્રિકેટ સ્ટેડિયમ સંપૂર્ણ રીતે નિર્માણ પામ્યું હતું. એવામાં વર્ષ 2013માં પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને ત્યારથી અવિરતપણે ખંઢેરી સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય મેચ યોજાઇ રહ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સ્થાપનાના 50 વર્ષ પણ પૂર્ણ થયા છે. ત્યારે હવે ખંડેરી સ્ટેડિયમને નિરંજન શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે.
છેલ્લા પાંચ દાયકાઓ સુધી આપી સેવાઓ: નિરંજન શાહ દ્વારા છેલ્લા પાંચ દાયકાઓ સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પદે સેવા આપી ચૂક્યા છે. નિરંજન શાહ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે બીસીસીઆઈમાં પણ સેક્રેટરી પદે બે વખત રહી ચૂક્યા છે. એવામાં તેમના કાર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાંથી અનેક સ્ટાર ક્રિકેટ ખેલાડીઓ બહાર નીકળ્યા છે અને હાલ આ યાત્રા અવિરતપણે શરૂ છે.
28થી 30 હજાર લોકો એકસાથે જોઈ શકે છે મેચ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા ખંઢેરી સ્ટેડિયમનું વિધિવત રીતે નામાંકન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સ્ટેડિયમમાં અંદાજિત 28થી 30 હજાર દર્શકો એક સાથે બેસીને લાઇવ ક્રિકેટ મેચની મજા માણી શકે છે. આ જ સાથે આ સ્ટેડિયમ એ રાજ્યનું એવું પ્રથમ ક્રિકેટ સ્ટેડિયમ છે કે જે સૌરઉર્જાથી પણ ચાલે છે. હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પદે નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ છે.