રાજકોટ: જન્માષ્ટમીના પાવન પર્વની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે. જન્માષ્ટમીમાં ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. જેમાં શોભાયાત્રા, લોકમેળા અને ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આવું જ આયોજન રાજકોટના પ્રસિદ્ધ અને જગવિખ્યાત યાત્રાધામ વીરપુર જલારામમાં કરવામાં આવ્યું હતું. જેમાં વીરપુર ખાતે અલગ-અલગ ફ્લોટ્સ બનાવવામાં આવ્યા છે.
''હાલ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં વિરપુર ખાતે અલગ-અલગ ફ્લોટ્સનું આયોજન કરેલ છે. આ ફ્લોટ્સમાં ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસને ધ્યાને લઈને ભગવાન શંકરના અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશેષમાં તાજેતરમાં ચંદ્રયાન 3 જે સફળ થયું છે, તેની પણ અહી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જે દરેક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.'' - પ્રદર્શિત ફ્લોટ્સ બનાવનાર સીમા વોરા
અલગ અલગ પ્રકારના ફ્લોટ્સ બનાવાયા : હાલ સમગ્ર ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગોકુલ અષ્ટમીનું અનેરું મહત્વ હોય છે. જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા, ડાકોર, તુલસીશ્યામ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં ભગવાન દ્રારકાધીશનો જન્મોત્સવ ઉજવાય છે. ત્યારે જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અહિયા ઉજવણીમાં ખાસ કરીને વિરપુરના અલગ-અલગ ચોક તેમજ સોસાયટીઓમાં ભગવાન દ્વારકાધીશના તેમજ વિવિધ ફલોટ્સ તૈયાર કરાયા છે. જેમાં મીનળવાવ ચોક ખાતે કૃષ્ણ ભગવાનના જીવનની જાખી ફ્લોટસ કરાયો છે.
સુર્યયાન મિશન સફળ થાય તે માટે પ્રાર્થના કરાઇ :વીરપુરમાં ખાસ કરીને વાત કરીએ તો, વીરપુરના ફૂલવાડી વિસ્તારના લોકો તેમજ મહિલાઓ દ્વારા ઈસરોના વૈજ્ઞાનિકોના ચંદ્રયાનના સફળ લોન્ચિંગ અને પ્રજ્ઞાન-રોવરની આબેહૂબ ઝાંખી કરાવતી પ્રતિકૃતિનો ફ્લોટસ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈસરો દ્વારા તાજેતરમાં લોન્ચિંગ કરેલ આદિત્ય એલ-1 પણ સફળ થાય તે માટે મહિલાઓ દ્વારા જગતનાથ ભગવાન શ્રી કૃષ્ણની ધૂન બોલાવી પ્રાર્થના કરી હતી. આ સાથે વીરપુરના અનેક વિસ્તારોમાં રાસ-ગરબા, મટકી ફોડ તેમજ મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમો ઉત્સવ નિમિતે યોજવામાં આવી રહ્યા છે અને સમગ્ર વીરપુર જાણે કૃષ્ણમય બની ગયું છે.