રાજકોટ : તાજેતરમાં જ જામનગર ખાતે ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી થતાં ત્રણ જેટલા લોકોના મૃત્યુ થયા હતા. એવામાં બીજી તરફ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ઘણા બધા મકાનો છે જે જર્જરિત હાલતમાં છે, પરંતુ કોર્પોરેશન તંત્ર માત્ર નોટિસ પાઠવીને કામ કર્યાનો સંતોષ માની રહી હોય તેવું લાગી રહ્યું છે. એવામાં રાજકોટના ગોકુળધામ વિસ્તારમાં 400થી વધુ આવાસો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે.
આવાસો પડે તો જવાબદાર કોણ : સૂત્રો અનુસાર કોર્પોરેશન દ્વારા 276થી વધુ જર્જરિત આવાસોને માત્ર કામ ચલાવ નોટિસ આપી છે, પરંતુ આ આવાસોને રિપેર કરવા અથવા દૂર કરવાની કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. જ્યારે આગામી દિવસોમાં વરસાદ સહિતની કુદરતી આફત આવે અને આ આવાસો પડે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ કોર્પોરેશનની કામગીરી પર ઉઠી રહ્યા છે.
આવાસ ક્યારે તૈયાર કરવામાં આવ્યા : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વર્ષ 1998માં રાજકોટના ગોકુળધામ વિસ્તારમાં 400થી વધુ આવાસ યોજના કવાર્ટર બનાવવામાં આવ્યા હતા. જ્યારે અહીંયા. અંદાજે 2000 કરતાં વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. એવામાં કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી અંતર્ગત આ વિસ્તારમાં 276થી વધુ જર્જરિત આવાસોને માત્ર નોટીસો પાઠવી છે, ત્યારે સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે જો આવાસો પડશે અને મોટી જાનહાની પણ સર્જાશે તેના જવાબદાર કોણ? ઉલ્લેખનીય છે કે, ગોકુળધામ વિસ્તાર વોર્ડ નંબર 12માં આવે છે, જ્યારે આ વોર્ડના કોર્પોરેટર હાલ રાજકોટના મેયર પ્રદીપ ડવ છે. એવામાં મેયરના જ વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર માંથી જવા પામી છે.
હું અહીં છેલ્લા 22 વર્ષથી રહું છું. જ્યારે અમારી માંગણી છે કે આ આવાસમાં છત પર જે સાઈડના ભાગોમાં દિવાલ હોય છે તે દિવાલ કરવામાં આવી નથી. તેમજ અમારા કવાર્ટર ખૂબ જૂના થઈ ગયા છે, જેને રીપેરીંગ કરવામાં આવે, આ સાથે જ અમારા વિસ્તારમાં ડામર રોડ અને લાઈટનો પ્રશ્ન છે. આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે તેવી અમારી માંગ છે. - ગીતા તન્ના (સ્થાનિક, રાજકોટ)
નેતાઓ ચૂંટણી સમયે આવે : સ્થાનિક વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અહીંયા કોર્પોરેટરો અને ધારાસભ્યો મત માંગવા આવતા હોય છે, ત્યારે અમે તેને રજૂઆત કરીએ છીએ પરંતુ હજુ સુધી અમારા પ્રશ્નોને કોઈએ સાંભળ્યા નથી. ઉલ્લેખનીય છે કે આ આવાસો બનાવ્યા તેના 30 વર્ષ વિત્યા છે. તેમજ આવાસોમાંથી પ્લાસ્ટર નીકળી ગયું છે અને ઈંટો બહાર દેખાઈ રહી છે જે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જે તે ત્રણ ત્રણ માળના છે એવામાં આવાસો ગમે ત્યારે પડે એવી પણ શક્યતાઓ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા હજુ સુધી આ આવાસો મામલે કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરી નથી.