રાજકોટના 150 ફૂટ રિંગરોડ નજીક આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલના પાછળના ભાગમાં રહેતી વૈશાલી પ્રેમજીભાઈ ખોખર નામની યુવતીએ સોમવારની સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જો કે, યુવતીના આપઘાત મામલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. યુવતીએ આપઘાત કર્યા બાદ પોલીસને ઘટના સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેની પ્રાથમિક તપાસમાં સમગ્ર મામલો લવ જેહાદનો હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે યુવતીના પિતા પ્રેમજી ખોખરે આક્ષેપ કર્યો કે, તેમની યુવાન પુત્રીને અન્ય ધર્મના યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી અને પોતાની સાચી ઓળખ અને ધર્મ છુપાવ્યો હતો. જો કે, આ જમીલ નામના યુવકે યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા અને ત્રણ દિવસ સુધી પોતાની સાથે રાખી હતી. સમગ્ર મામલે યુવકની સાચી હકીકત બહાર આવતા યુવતી તેને છોડીને પોતાના ઘરે પરત ફરી હતી. જમીલ યુવતીનો પીછો છોડતો ન હતો. યુવતીના માતા પિતા દ્વારા યુવતીની સગાઈ અન્ય યુવક સાથે કરવામાં આવતા જમીલ દ્વારા યુવતીના માતાપિતા અને યુવતીના મંગેતરને પણ ધાકધમકી આવતી હતી. જો કે, યુવતી અંતે કંટાળીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. સમગ્ર મામલે પોલીસે જમીલ નામના યુવક અને તેની માતાની ધરપકડ કરી છે.