રાજકોટ : ઉપલેટામાં પુત્રની ઉઘરાણી માટે આવેલા લેણદારોએ યુવકના પિતાનું અપહરણ કરી તેમની પાસેથી જબરદસ્તી પૈસા માગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પિતાએ પૈસા આપવાની બાબતે આનાકાની કરતા યુવકના પિતાનું અપહરણ કરી ધાકધમકી આપી, અપશબ્દો બોલી, મારામારી કરી અને અધવચ્ચે તરછોડી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર વ્યક્તિ એ ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શું હતો સમગ્ર મામલો : મળતી માહિતી અનુસાર ઉપલેટા શહેરની આદર્શ શેરીમાં રહેતા અને ઈસરાના પાટીયા પાસે કારખાનું ધરાવતા રતિ માણાવદરિયાએ ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. પુત્ર કેવિનના જુગારમાં હારી ગયેલા રૂપિયાની ઉઘરાણી બાબતે ફોન કરી રૂબરૂ મળવાના બહાને બોલાવ્યા હતા. રૂબરૂ મળવા માટે બોલાવી અને ત્રણ જેટલા વ્યક્તિઓએ ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલા પશુ દવાખાના પાસેથી રતિભાઈનું અપહરણ કરી જેતપુર તરફ લઈ ગયા હતા. અપહરણ દરમિયાન તેમને ધાકધમકી, ગાળા-ગાળી અને તેમની સાથે મારામારી કરાઈ હોવાનું ફરિયાદી રતિભાઈએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad Crime : 17 લોકોના અપહરણ કેસમાં ભાજપના નેતાના નામ સામે આવ્યા ખળભળાટ
અધવચ્ચે તરછોડી દીધા : આ ઘટનામાં અપહરણ કર્તાઓએ ભોગ બનનાર પાસેથી જુગારના હારી ગયેલા તેમના પુત્ર કેવિનના પાંચ લાખ રૂપિયાની રકમની ઉઘરાણી કરી તેમને રસ્તામાં ધમકાવી મારામારી કરી હોવાનું જણાવ્યું છે. અપહરણ કર્તાઓએ ઉપલેટાથી જેતપુર સુધી ભોગ બનનારને લઈ ગયા હતા. બાદમાં તેમને ધમકાવી પુનઃ તેમની પાસે આવશું એવું કહીને રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પરના સુપેડી પાસે તરછોડી દઈ જતા રહ્યા હતા. આ ઘટના બાદ ફરિયાદી રતિભાઈએ ઉપલેટા પોલીસ મથકમાં અપહરણ કરનાર ત્રણ જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચો : Vadodara news: ભંગારના વેપારીઓનું અપહરણ કરી હત્યા કરનાર આરોપીઓને હરણી પોલીસે દબોચ્યા
પોલીસ શખ્સોને પકડી શકી નથી : ઉપલેટાના ભૌતિક કમલેશ ભરાઈ અને જૂનાગઢના વિવેક ઉપરાંત અન્ય એક અજાણ્યા શખ્સ સામે ઉપલેટા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આ બનાવમાં આઈપીસી કલમ 365 504, 114 મુજબ ગુનો પોલીસે દાખલ કરી આરોપીઓને ઝડપવા માટેની તજવીજ હાથ કરી છે. પરતું આ ઘટના 15 માર્ચના રોજ બનેલી હતી. આ ઘટના બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં હજુ સુધી પોલીસ કોઈપણ અપહરણ કરતાને પકડી ન શકી હોવાની વાત સામે આવી છે, ત્યારે આવી ગંભીર ઘટનામાં હજુ સુધી અપહરણ કરનારા પોલીસ પકડથી કેમ દૂર છે. તેને લઈને પણ ચર્ચા એ ખૂબ જોર પકડ્યું છે.