રાજકોટઃ શહેરમાંથી અખાદ્ય પદાર્થોનો જથ્થો અવારનવાર ઝડપાઈ રહ્યો છે. અગાઉ દિવાળી દરમિયાન ફરસાણ, મીઠાઈ, પનીર વગેરેનો અખાદ્ય જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાયો હતો. હવે રાજકોટ ફૂડ સેફ્ટી ડીપાર્ટમેન્ટ દ્વારા 5 ટન કરતા વધુ અખાદ્ય ચણા જોર ગરમનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
ફૂગવાળા ચણા મળી આવ્યાઃ આજીડેમ વિસ્તારમાં દીનદયાળ ઈન્ડસ્ટ્રીમાં કલ્પેશ ટ્રેડર્સ અને આશાપુરા ફૂડ્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ પેઢીના માલિકો કલ્પેશ બડોખરિયા અને જીતેન્દ્ર ગુપ્તા હોવાનું સામે આવ્યું છે. આ પેઢીમાં લાયસન્સ વિના ચણા જોર ગરમનું ઉત્પાદન થઈ રહ્યું હતું. આ સ્થળે ફૂડ સેફ્ટી ડીપાર્ટમેન્ટે દરોડો પાડતા કુલ 2000 કિલો જેટલા ફૂગ વાળા ચણા રો મટિરિયલ તરીકે મળી આવ્યા. આ ઉપરાંત સાથે જ વિવિધ ફ્રાઈમ્સ અને દાબેલા ચણા સહિત 2500 કિલો જેટલો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. આમ કુલ મળીને અખાદ્ય પદાર્થોનો 5 ટન કરતાં વધુ જથ્થો મળ્યો છે. આ તમામ વસ્તુઓ અનહાઈજેનિક કન્ડિશનમાં બનાવવામાં આવતી હતી. આ ચીજો બનાવવા માટે બળેલા તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો.
વિવિધ રોગોનું કારણઃ આવા અખાદ્ય પદાર્થોના સેવનથી ગ્રાહકોને વિવિધ રોગોના ભોગ બનવું પડે છે. જેમાં ફૂગવાળા ચણાને લીધે પેટ અને આંતરડાના રોગો થઈ શકે છે. તેમજ આ દાબેલા ચણાને ભોંયતળીયા પર ઠાલવીને મસાલો મિક્સ કરવામાં આવતો હતો. જેમાં બોરિક એસિડ પાવડર(શંખજીરુ)નો ઉપયોગ કરવામાં આવતો હતો. જેથી મો અને આંતરડામાં ચાંદા પડવાની સંભાવના રહે છે.
આજે અમે પાડેલ દરોડામાં 5 ટન કરતા વધુ ચણા જોર ગરમ એટલે કે દબાયેલ ચણાનો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. આ પ્રોડક્ટ બનાવવામાં ફૂગવાળા ચણાનો સમાવેશ કરવામાં આવતો હતો. દબાયેલા ચણામાં મસાલો ભેળવવા માટે ચીકણી જમીન પર પાથરવામાં આવતા હતા. આ ચણામાં બોરિક એસિડ એટલેકે શંખજીરુનો ઉપયોગ થતો હતો. જે પ્રતિબંધિત છે. આવી ચીજવસ્તુના સેવનથી પેટ અને આંતરડાના રોગો થાય છે. સોલિડ વેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા આ અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવશે...ડૉ. જયેશ વાકાણી(ફૂડ સેફ્ટી ઓફિસર, રાજકોટ)