રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નજીક એક યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસમાંથી મળતી માહિતી મુજબ વિજય કેશુભાઈ બાબરીયા નામના યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.
નજીવી બાબતમાં હત્યા : મૃતકના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે, કેટલાક શખ્સો વિજયની દુકાન નજીક ગાંજો પીવા માટે આવ્યા હતા. મૃતક યુવકે તેની દુકાને ગાંજો પીવાની ના પાડતા તે ઈસમો દ્વારા તેની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે ઘટનાને પગલે રાજકોટ થોરાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલના સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ગાંજો પીવા બાબતે ઝગડો : આ ઘટનાને પગલે મૃતક વિજયના ભાઈ જીતેશ બાબરીયાએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રે ત્રણથી ચાર શખ્સ મારા ભાઈની પાનની દુકાને ગાંજો પીવા માટે આવ્યા હતા. તેઓને મારા ભાઈએ દુકાન નજીક ગાંજો પીવા માટે ના પાડી હતી. જ્યારે આજે સવારે આ શખ્સો ફરી દુકાને આવ્યા હતા. તેઓએ મારા ભાઈ સાથે માથાકૂટ કરી હતી. બાદમાં છરી વડે તેના પર હુમલો કરી તેની હત્યા કરવામાં આવી છે.
આરોપીઓએ મૃતક સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ છરી વડે વિજય પર હુમલો કર્યો હતો. જેમાં વિજયનું મોત થયું છે. ત્યારે આ મામલે થોરાળા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ ઘટનામાં ગાંજાની પણ વાત સામે આવી છે. જેને લઈને તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે.-- બી. વી. જાધવ (ACP)
પોલીસ તપાસ : આ ઘટનાની જાણ થતા થોરાળા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. ત્યારે આ મામલે વિસ્તારના ACP બી. વી. જાધવે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, વિજય કેશુભાઈ બાબરીયા નામના વ્યક્તિ જે થોરાળા વિસ્તારમાં રહે છે. તેમનો આ વિસ્તારમાં પાનનો ગલ્લો છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યાની આસપાસ ત્રણ જેટલા ઈસમો ત્યાં આવ્યા હતા.
મૃતકના પરિવારનો આક્ષેપ : મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઈસમો વારંવાર વિસ્તારમાં ગાંજો પીને હંગામા મચાવે છે. જેના કારણે વિસ્તારના રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. એવામાં આ ઈસમો દ્વારા મારા ભાઈની હત્યા કરવામાં આવી છે.