રાજકોટ : રાજકોટના મોરબી રોડ ઉપર આવેલી લાલ પરી નદીના કાંઠે બે થેલામાં એક હત્યા કરાયેલી હાલતમાં મહિલાના શરીરના ટુકડા મળી આવ્યા હતા. જે મામલે રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ ઘટનાના બે દિવસ વિત્યા છતાં પણ આ મૃતક મહિલા કોણ છે તે જાણી શકાયું નથી. જેને લઈને રાજકોટ પોલીસની ત્રણ ટીમ બનાવવામાં આવી છે અને પ્રથમ આ મૃતક મહિલા કોણ છે તેની શોધખોળ હાથ ધરી છે.
મૃતકની ઓળખ મેળવવા પોલીસના પ્રયાસો : મૃતક મહિલાની ભાળ મેળવવાના પ્રયાસોમાં લાગેલી રાજકોટ પોલીસ દ્વારા ગુમ થયેલા અને પોતાના ઘરેથી નીકળી ગયેલા લોકોની પણ યાદી તૈયાર કરાઈ છે અને તેમના આધારે આ મૃતક મહિલા કોણ છે તે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. મળી આવેલો મહિલાનો મૃતદેહ અંગે અનુમાન છે કે મહિલાની ઉંમર 17થી 20 વર્ષની હોઇ શકે છે.
આ પણ વાંચો Rajkot Crime : લાલપરી નદી કાંઠેથી મહિલાના ટુકડે ટુકડા કરાયેલો મૃતદેહ મળ્યો
બાળકોના ધ્યાને આવ્યાં હતાં કોથળા : રાજકોટની ભાગોળે લાલપરી તળાવમાં વિસ્તારના બાળકો નાહવા માટે ગયા હતા તે દરમિયાન તેમના ધ્યાને બે કોથળા આવ્યા હતા. જેમાં મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને સ્થાનિકોએ આ મામલે પોલીસ જાણ કરી હતી અને બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં તપાસ કરતા એક થેલામાં હાથ પગ અને ધડ તેમજ એક થેલામાં માથું એમ બે અલગ અલગ થેલામાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેને પોલીસે દ્વારા કબ્જે કરવામાં આવી હતી.
માથાના ભાગે માર મારીને તેની હત્યા : પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે આ મૃતક મહિલાની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે હોઈ શકે છે અને તેને માથાના ભાગે માર મારીને તેની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. જોકે હજુ આ મામલે મૃતક મહિલા કોણ છે તેની ઓળખ થઈ નથી. ત્યારે પોલીસ દ્વારા મૃતક મહિલા આખરે કોણ છે તેને લઈને રાજકોટ શહેર અને નજીકના ગામોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો દિલ્હીમાં શ્રદ્ધા હત્યા જેવી ઘટના, માતાએ પુત્ર સાથે મળીને પતિના 10 ટુકડા કરી ફ્રીઝમાં રાખ્યા
બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ : આ સમગ્ર મામલે કેસની તપાસ કરી રહેલા એસીપી મનોજ શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લાલપરી નદીમાંથી જે મહિલાની હત્યા કરાયેલી હાલતમાં શરીરના ટુકડા મળી આવેલ છે તે મામલે રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ગુનો નોંધાયા બાદ રાજકોટ સહિતના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આ વિસ્તારોમાં પોલીસ દ્વારા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ શહેરના ઝોપડપટ્ટી વિસ્તારમાં અને પરપ્રાંતિયો જે વિસ્તારમાં રહે છે ત્યાં પણ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
મૃતદેહ નજીકથી મળ્યા હતા તાવીજ : પોલીસ દ્વારા આ કેસમાં સીસીટીવીની મદદ પણ લેવામાં આવી રહી છે અને સર્વલેસ ટીમ પણ કામે લાગી છે. જ્યારે આ મૃતક મહિલાના મૃતદેહ નજીકથી તાવીજો પણ મળી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આ પ્રકારના તાવીજ કોણ બનાવી શકે છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં મહિલાની હત્યા બાદ તેના શરીરના ટુકડા કરીને ફેંકી દેવાની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે.