રાજકોટ : જીપીએસ સીસ્ટમથી કારને ટ્રેક કરી બીજી ચાવીથી કાર ચોરી કરી જતી ટોળકીનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર ચોરી કરતી ગેંગ પાસેથી 9 કાર પણ કબજે કરવામાં આવી છે.
અમદાવાદની ટોળકીનો પર્દાફાશ : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જીપીએસ સિસ્ટમથી કારને ટ્રેક કરીને બીજી ચાવીથી આ કારનો લોક ખોલીને તેની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે. જ્યારે આ ટોળકી પાસેથી નવ જેટલી કાર પણ કબજે કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા અગાઉ વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલ શખ્સોની પુછપરછ અને ઉલટ તપાસ દરમ્યાન અમદાવાદની ટોળકીનો પર્દાફાશ થયો છે. જેમાં મુખ્ય સૂત્રધારની રાજકોટ જંક્શન રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરવામાં આવી છે.
જીપીએસ સિસ્ટમ વડે કારને કરતા હતા ટ્રેક : ક્રાઈમબ્રાન્ચ દ્વારા ઝડપાયેલ શખ્સબી પૂછપરછમાં સામે આવ્યું છે કે જીપીએસ સીસ્ટમથી કારને ટ્રેક કરી બીજી ચાવીથી કાર ચોરી કરવામાં આવતી હતી. જ્યારે રાજકોટ પોલીસે આ પ્રકારે કાર ચોરી કરવાની ફીરાકમાં રહેલા શખ્સને 9 કાર સહીત રૂા.53,61,000/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. તાલુકા પોલીસ મથકમાં ગત તા.8-11-22ના રોજ બોલેરો પીકઅપવાનની ચોરીની ધટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ હતી મોડસ ઓપરેન્ડી : આ ગુનામાં પોલીસે અગાઉ અમદાવાદના બે શખ્સો મહમદ ઇમ્તીયાઝ વ્હોરા અને અશરફ મૈયુદીન દીવાનની ધરપકડ કરી હતી. જેઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે તેઓ લોનવાળી કારમાં જીપીએસ સીસ્ટમ લગાવી દઇ તે કાર સસ્તા ભાવે વેચી નાખતા અથવા તેને ગીરવે મુકી દેતા હતાં. ત્યારે તેમાં જીપીએસ સીસ્ટમ લગાવેલી હોય તેની મદદથી કાર ક્યાં રહેલી છે તે જાણી બીજી ચાવીથી આ કારની ચોરી કરી લેતાં હતાં.
પોલીસે ધરપકડ કરી : ઈસમ કાર ચોરવા આવ્યો અને પકડાયો ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ પ્રકારે આખી ગેંગ કામ કરી રહી છે. જે દરમિયાન જીપીએસ સીસ્ટમ લગાવેલી કાર ચોરી કરવા માટે રાજકોટ જંક્શન રેલવે સ્ટેશન પર અમદાવાદનો ઇમ્તીયાઝ નામનો શખ્સ આવતા પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે આ ઈસમ પણ રાજકોટમાં કાર ચોરી કરવા આવ્યો હતો. તેની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો દેશના વિવિધ શહેરોમાંથી લક્ઝુરિયસ કાર ચોરી કરીને બોગસ ડોક્યુમેન્ટ દ્વારા વેચતી ટોળકીનો થયો પર્દાફાશ
વર્ષ 2022ની તપાસનો રેલો આવ્યો : આ અંગે રાજકોટ સાયબર ક્રાઈમના એસીપી વીએમ રબારીએ ગત વર્ષ 2022માં તાલુકા પોલીસમાં એક બોલેરો ગાડીની ચોરીનો મામલો સામે આવ્યો હતો. જેની વધુ તપાસ દરમિયાન આ પ્રકારે કાર ચોરી કરતા ઈસમો ઝડપાયા છે. મુખ્ય આરોપીનું નામ ઇમ્તીયાઝ ઇનુસ વ્હોરા છે. જેની પાસથી 9 જેટલી ચોરાઉ કાર ઝડપાઇ છે.
આર્થિક જરૂરિયાતમંદ વ્યક્તિઓને લૂંટતા : આખું કૌભાંડ આ પ્રકારે ચાલતું જીપીએસ સિસ્ટમ કારમાં લગાવીને કારની ચોરી કરવાની ઘટનામાં સામે આવ્યું છે કે જે લોકોએ કાર લોનથી લીધી હોય અને લોનના હપ્તા ન ચૂકવ્યા હોય તેમને થોડા ઘણા પૈસા આપીને તેમની પાસેથી આ ઈસોમો દ્વારા કાર ખરીદવામાં આવતી હતી. ત્યારબાદ તેમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવતી હતી અને ત્યારબાદ આ જીપીએસ સિસ્ટમવાળી કારને અન્ય વ્યક્તિને સસ્તા ભાવે વેચવામાં આવતી હતી. ત્યારબાદ તેના કોઈ દસ્તાવેજ કે અન્ય ડોક્યુમેન્ટ પણ આપવામાં આવતા નહોતા. જ્યારે કારમાં જીપીએસ સિસ્ટમ લગાવી હોય તેના આધારે આ ટોળકીના ઈસમો ફરીથી તે જ કારની ચોરી કરતા હતા. જ્યારે જે તે વ્યક્તિએ આ કાર ખરીદી હોય તેની પાસે કોઈ પુરાવા કે આધાર ન હોવાના કારણે તે પોલીસ ફરિયાદ પણ કરતા નહોતા અને આ આખું કૌભાંડ આ પ્રકારે ચાલતું હતું.