રાજકોટઃ રાજકોટની ભાગોળે આવેલ કુવાડવા પોલીસ મથકમાં એક આરોપીના મોતનો મામલો સામે આવ્યો છે. જેને લઈને મૃતક આરોપીના પરિવારજનો દ્વારા પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના કારણે આરોપીનું મોત થયાનો આક્ષેપ કર્યો છે. જ્યારે પરિવારજનોના આરોપોને લઈને પોલીસ દ્વારા મૃતકનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં પોલીસ મથકમાં આરોપીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે.
ગઈકાલે રાતના આરોપીની કરી હતી ધરપકડ : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે રાતના 10 વાગ્યાની આસપાસ કુવાડવા પોલીસ દ્વારા જુગારના કેસમાં જેન્તી લાખા અગેચણિયા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારબાદ 2.30 વાગ્યે કુવાડવા પોલીસ મથકમાં જ જેન્તી નામનો આરોપી પૂછપરછ દરમિયાન ઢળી પડ્યો હતો. જેને લઈને પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી પરંતુ જેન્તીને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. બીજી તરફ આરોપીનું મોત થતા પરિવારજનોએ પોલીસ દ્વારા માર મારવાના કારણે આરોપીનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો NCRB 2021 Data ગુજરાતમાં સૌથી વધુ કસ્ટોડિયલ મૃત્યુનો રેકોર્ડ
અમને વહેલી સવારે ઘટનાની જાણ થઈ : આ મામલે મૃતકના ભાઈ એવા વિનુભાઈએ ઇટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે અલગ અલગ રહીએ છીએ. શુ ઘટના બની હતી તેની મને ખબર નથી. જ્યારે મારા ભાઈને દારૂ પીવાની ટેવ હતી તેમજ જુગાર મામલે પોલીસે રેડ કરી હતી અને પોલીસ પકડી ગઈ હતી. ત્યારબાદ શું થયું એની અમને કાંઈ ખબર નથી. આ ઘટનાની જાણ અમે સવારે થઈ ત્યારના અમે અહીંના દવાખાના ખાતે આવ્યા છીએ. ઉલ્લેખનીય છે કે હાલમાં મૃતકનું ફોરેન્સિક પીએમ શરૂ કરવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર બાબત સામે આવશે.
આ પણ વાંચો કસ્ટોડિયલ ડેથ મામલે ETV Bharatના પ્રશ્ન સામે રાજ્યપ્રધાનની બોલતી થઈ ગઈ બંધ
કસ્ટોડિયલ મૃત્યુ અંગેની તપાસ શરુ : આ ઘટના અંગે એસીપી બી એ શર્માએ જણાવ્યું હતું કે કુવાડવા પોલીસ ચાર ઇસમોને જુગારના કેસમાં પકડી આવી હતી. જે દરમિયાન જેન્તી લાખાભાઈ નામના આરોપી અચાનક 2 વાગ્યાની આસપાસ ઢળી પડ્યા હતાં. જેને તાત્કાલિક પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈને આવી હતી પરંતુ તબીબે આ આરોપીને મૃત જાહેર કર્યા હતા. જોકે આ મામલો ક્સ્ટડીયલ ડેથનો હોય ત્યારે સમગ્ર ઘટનાની તપાસ પણ કરવામાં આવી રહી છે.
કસ્ટોડિયલ ડેથ વિશે એનસીઆરબી ડેટા : નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો(NCRB)ના 2021ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં સતત બીજા વર્ષે સમગ્ર ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કસ્ટોડિયલ ડેથની સંખ્યા સૌથી વધુ નોંધાઈ હતી. ગુજરાતમાં એક વર્ષમાં કસ્ટોડિયલ ડેથમાં 53 ટકાનો વધારો થયો હતો. એનસીઆરબી 2020ના આંકડા મુજબ આવા 15 કેસ સામે આવ્યા છે. જ્યારે ગુજરાતમાં 1 જાન્યુઆરી, 2021થી 15 નવેમ્બર, 2023 સુધીમાં 21 કસ્ટોડિયલ ડેથમાંથી 21 મૃત્યુ પોલીસ કસ્ટડી અથવા લોકઅપમાં ડેથ નોંધાયા હતા. એનસીઆરબીના ડેટા પ્રમાણે મહારાષ્ટ્રમાં 26 કસ્ટોડિયલ ડેથ થયા છે. આમ ગુજરાત બીજા ક્રમાંકે આવે છે.
ગુજરાતમાં વર્ષ 2020-21 કસ્ટોડિયલ ડેથની સત્તાવાર માહિતી : ગુજરાત વિધાનસભામાં 19 માર્ચ, 2022ના રોજ કસ્ટોડિયલ ડેથનો પ્રશ્ન પુછાયો ત્યારે સરકારે સત્તાવાર જાહેર કર્યું હતું કે વર્ષ 2020માં 88 અને 2021માં 100 જેટલી ઘટના સામે આવી છે. જે અંતગર્ત જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે ફોજદારી રાહે તેમજ ખાતાકીય રાહે ફરજમોકૂફી અને રોકડ દંડ જેવી સજા કરવામાં આવી છે. આ ઉપરાંત કસ્ટોડિયલ મૃત્યુના કિસ્સામાં મૃતકના વારસદારોને 6 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવ્યું છે.
કોંગ્રેસના આક્ષેપ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હીરેન બેન્કરે ગૃહવિભાગ પર કર્યા આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કસ્ટોડીયલ ડેથના મામલામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં મોત થયાં છે. આ સમયગાળામાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મોત થવામાં ગુજરાત અવ્વલ છે. સભ્ય સમાજ સિવિલ સોસાયટી કાયદાના શાસનથી ચાલે છે. (RULE OF LAW) પરતું ભાજપ સરકારના રાજમાં થતા કસ્ટોડીયલ ડેથએ AN ABUSE OF POWER જણાઇ રહ્યાં છેં. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતના કારણો જવાબદાર હોય છે. ત્યારે ગુજરાતમાં માનવ અધિકારોનું મોટાપાયે ઉલ્લંઘન ચિંતાનો વિષય છે.
કેન્દ્રના ગૃહ વિભાગનો રીપોર્ટ ગુજરાતમાં એક જ વર્ષમાં સૌથી વધુ પોલીસ કસ્ટડીમાં 24 મોત થયા છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)માં નોંધાયેલા આ કેસનો રિપોર્ટ કેન્દ્રના ગૃહ વિભાગે બહાર પાડયો છે. ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં મોતની 80 ઘટના બની છે, જે પૈકી વર્ષ 2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12 ઘટના બની છે, કોરોનાકાળના વર્ષ 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોતની ઘટના વધીને સીધી 17 ઉપર પહોંચી હતી અને છેલ્લે 2021-22માં સૌથી વધુ 24 ઘટના બની છે. નોંધાયેલા આ કેસોમાં કેટલાક કિસ્સામાં આક્ષેપો છે કે પોલીસના મારવાને- ટોર્ચર કારણે આરોપીનો જીવ ગયો છે. જ્યારે કેટલાકમાં બીમારી સહિત વિવિધ કારણસર મોત થયાં છે.
2017થી 2022માં ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથ : છેલ્લાં પાંચ વર્ષમાં અન્ય રાજ્યમાં કસ્ટોડીયલ ડેથમાં આંકડા પણ જોઇએ તો મહારાષ્ટ્રમાં 76, ઉત્ત્રપ્રદેશમાં 41, તમિલનાડુમાં 40 અને બિહારમાં 38 કસ્ટોડિયલ ડેથ થયાં હતાં. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના કસ્ટોડિયલ ડેથમાં 2017-18માં 14, 2018-19માં 13, 2019-20માં 12, 2020-21માં 17 અને 2021-22માં 27 કસ્ટોડિયલ ડેથના આંકડા સામે આવ્યાં છે.