રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2020ની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ટોપટેનમાં ગુજરાતના ચાર શહેરોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રંગીલા રાજકોટને આ વખતે કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં છઠ્ઠો ક્રમાંક મળ્યો છે.
રાજકોટ સ્વચ્છતા સર્વેક્ષણમાં વર્ષ 2016માં સાતમાં ક્રમાંકે હતું. જે વર્ષ 2017માં અઢારમાં સ્થાને ગયું હતું. જ્યારે વર્ષ 2018માં રાજકોટનો સ્વચ્છતા સર્વેક્ષણમાં છેક 35મો ક્રમાંક આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2019માં 9માં ક્રમે અને હાલ 2020માં 6ઠ્ઠા ક્રમે રાજકોટનો સમાવેશ થયો છે. 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરની કેટેગરીમાં આ વખતના સર્વેમાં કુલ 6000માંથી રાજકોટને 5157.36 માર્ક મળ્યા છે.
જો કે, રાજકોટને સ્વચ્છતા સર્વેક્ષણમાં છઠ્ઠો ક્રમાંક કેવી રીતે મળી ગયો તે નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે રાજકોટ મહાનગર પાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ રાજ્ય સરકાર અને મનપાના શાસક પક્ષ પર આ મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા, તેમજ મનપા કમિશનરને ભાજપના કહ્યાગરા ગણાવ્યા હતા. તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, રાજકોટમાં હજુ પણ કેટલાય એવા વિસ્તાર છે. જ્યાં દરરોજ ગંદકી જોવા મળે છે. કોર્પોરેશન દ્વારા માત્ર કાગળ પર જ સફાઈ કામ થયું છે, પરંતુ હકીકતમાં તેવું છે નહીં. આ અંગે etv ભારત દ્વારા પણ તપાસ કરવામાં આવતા રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. બે દિવસ પહેલાં જ રાજકોટમાં ભારે વરસાદ આવવાના કારણે ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાયા હતા અને વાહનચાલકો તથા રાહદારીઓ માંડ માંડ પસાર થતા જોવા મળ્યા હતા.
આ સાથે જ રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ મનપાની કામગીરીને બિરદાવી હતી. તેમજ આગામી દિવસોમાં સમગ્ર દેશમાં રાજકોટ ટોપ ફાઈવમાં આવે તેવા પ્રયાસો પણ મનપા દ્વારા કરવામાં આવશે તેવી વાત કરી હતી.